કમિશન મુદ્દે સસ્તા અનાજના વેપારીઓની હડતાળ શરૂ
રાજ્યના 17 હજાર સસ્તા અનાજના વિક્રેતાઓએ ચાલુ મહિને પરમીટ ઉપાડવાનું જ બંધ કર્યું : 72 લાખ પરિવારોને રેશન નહીં મળે
દર મહિને મિનિમમ 20 હજાર કમિશન આપવાના નિયમમાં 97 ટકા વિતરણ ફરજીયાતના નિયમ સામે રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના વિક્રેતાઓએ હડતાળનું રણશિંગુ ફૂંકી પરમીટ ઉપાડવાનું બંધ કરતા જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઇ જવા પામી છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા આગામી 3જી ઓક્ટોબરે સસ્તા અનાજના વેપારીઓના બે સંગઠન સાથે બેઠક યોજવા નક્કી કર્યું હોય તા.3જી બાદ રેશનકાર્ડ ધારકોને ક્યારથી અનાજ વિતરણ શરૂ થશે તે બાબત સ્પષ્ટ બનશે.
રાજ્યના અન્નન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના વિક્રેતાઓનેદરમહિને મિનિમમ રૂપિયા 20,000 કમિશન મળે એવો પરિપત્ર કર્યો છે પરંતુ આ પરિપત્રમાં અલગ -અલગ 12 શરતો મૂકવામાં આવી જેના કારણે ગુજરાત રાજ્યના મોટાભાગના દુકાનદાર ભાઈઓ મિનિમમ રૂપિયા 20,000 કમિશન મેળવી શકતા નથી જો કે, 15 ફેબ્રુઆરી 2024ના રોજ એક નવો પરિપત્ર કરવામાં આવ્યો જેમાં 300 કાર્ડની મર્યાદા દૂર કરી પરંતુ 97 ટકા વિતરણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી જે દુકાનદાર 97 ટકા વિતરણ કરશે તેઓને મિનિમમ 20,000 રૂપિયા કમિશન મળવાપાત્ર થતું હોય મોટાભાગના વેપારીઓને કમિશનનો લાભ ન મળતા રાજ્યના બે વેપારી સંગઠનો દ્વારા સરકારની રીતિ નીતિ સામે જંગ છેડવામાં આવ્યો છે.
વધુમાં સસ્તા અનાજના વેપારીઓના સંગઠન ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન તથા ગુજરાત ફેર પ્રાઈઝ સોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા 1લી ઓક્ટોબરથી પરમીટ ઉપાડવાનું બંધ કરવામાં આવ્યું છે પરિણામે રાજકોટ સહિત રાજ્યભરમાં તમામ સસ્તા અનાજના વેપારીઓએ પરમીટ ન ઉપાડી નથી, રાજકોટ જિલ્લામાં 650 સહીત રાજ્યભરમાં કુલ 1700 જેટલા સસ્તા અનાજના વેપારીઓએ ચાલુ મહિને પરમીટ ન ઉપાડતા રાજ્યના 72 લાખ કુટુંબોને ક્યારે અનાજ -ચોખા, ખાંડ મળશે તે નક્કી નથી.
દરમિયાન ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં પણ સરકાર પ્રશ્ન ન ઉકેલી રહી હોવાથી રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ટકરાઉ થવાના અનેક બનાવો બની રહ્યા છે, સાથે જ આજની મોંઘવારીમાં સસ્તા અનાજના વેપારીઓને મિનિમમ 20 હજાર કમિશન ન મળતું હોવાથી ઘરના ખર્ચ પણ કાઢવા મુશ્કેલ બનતા હાલમાં પરમીટ નહીં ઉપાડવા નિર્ણય કર્યો છે અને આગામી તા.3ના રોજ સરકાર સાથે બેઠક બાદ આ મામલે આગળની રણનીતિ ઘડવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.