ગુજરાતના આદિવાસી રાજકારણનો ફાયરબ્રાન્ડ ચહેરો અને ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા માટે મોટો ફટકો. વન વિભાગની જમીન વિવાદમાં ફોરેસ્ટ કર્મચારી પર હુમલો અને ધમકીના વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. પત્ની સહિત 9 આરોપી કસૂરવાર ઠરતા જ AAPના કેમ્પમાં ભૂકંપ અને સ્થાનિક આદિવાસી રાજકારણમાં સન્નાટો છવાયો છે. હવે સજાના જાહેર થતાં જ ચૈતર વસાવાની ધારાસભ્યની ખુરશી દાવ પર લાગી ગઈ છે.
કોર્ટનો કડક ચુકાદો, 9 આરોપી દોષિત
નર્મદા જિલ્લાના રાજપીપળા સેશન્સ કોર્ટે બુધવારે વર્ષ 2022ના વન જમીન વિવાદ કેસનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય 7 સહ-આરોપીઓને સરકારી કર્મચારી પર જીવલેણ હુમલો કરવા, ફરજમાં રુકાવટ નાખવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગુનામાં IPCની કલમો હેઠળ દોષિત જાહેર કર્યા. હવે કોર્ટ આગામી તારીખે સજાનું પ્રમાણ નક્કી કરશે.
શું હતો આખો મામલો?
ફરિયાદ મુજબ, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં વન વિભાગની સરકારી જમીન ખેતી માટે વપરાશમાં લેવાના વિવાદને લઈને ચૈતર વસાવા અને તેમના સમર્થકો વન વિભાગના કર્મચારીઓ સાથે ઉગ્ર ઘર્ષણમાં ઉતર્યા હતા. આરોપ છે કે ધારાસભ્ય અને તેમના ટોળાએ ડ્યુટી પર હાજર વનરક્ષકો પર લાકડી-દંડા વડે હુમલો કર્યો હતો અને સરકારી કામમાં અડચણ ઉભી કરી હતી. મામલો ત્યારે વધુ વણસ્યો જ્યારે ટોળાએ હવામાં ફાયરિંગ કરીને ફોરેસ્ટ સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વન વિભાગે આ અંગે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: આધાર ફ્રી થશે પણ LPG-CNG મોંઘા, તમારા ખિસ્સા પર પડશે ડબલ અસર
AAP અને આદિવાસી રાજકારણમાં ખળભળાટ
કોર્ટના આ ચુકાદા બાદ ગુજરાત AAPના ગઢ ગણાતા આદિવાસી પટ્ટામાં ખળભળાટ મચી ગયો છે. ચૈતર વસાવા આદિવાસી અધિકારોના મોટા નેતા તરીકે ઓળખાય છે અને તેમની ધરપકડ સમયે પણ મોટા વિરોધ-પ્રદર્શનો થયા હતા. દોષિત ઠરતા જ તેમના સમર્થકોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ, આ ચુકાદાને AAP માટે મોટો રાજકીય ફટકો ગણવામાં આવી રહ્યો છે, કારણ કે ચૈતર વસાવા પાર્ટીનો ગુજરાતમાં સૌથી લોકપ્રિય આદિવાસી ચહેરો છે.
ધારાસભ્ય પદ પર તલવાર
કાયદા મુજબ, જો કોઈ લોકપ્રતિનિધિને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેની ધારાસભ્ય/સાંસદની સભ્યતા તરત જ રદ થઈ જાય છે. ચૈતર વસાવાને હવે કોર્ટ કેટલી સજા ફટકારે છે તેના પર બધાની નજર છે. જો 2 વર્ષથી વધુ સજા થશે તો તેમણે તરત જ ડેડીયાપાડાની ધારાસભ્યની બેઠક ગુમાવવી પડશે અને પેટા ચૂંટણીની સ્થિતિ સર્જાશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદો સૌથી ઉપર છે અને સરકારી ફરજમાં અડચણ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
હવે ચૈતર વસાવાની ટીમ આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરે તેવી શક્યતા છે. ત્યાં સુધી આદિવાસી બેલ્ટની રાજનીતિનું ભવિષ્ય આ સજા સાથે જોડાયેલું છે.
