હોળી-ધુળેટીમાં સાવચેતી એ જ સલામતી : રંગોના પર્વમાં રોડ અકસ્માતનું પ્રમાણ 89 ટકા વધવાની શક્યતા
ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 દ્વારા ધુળેટીના દિવસે શારીરિક હુમલાના કેસમાં 243.61 ટકા વધારો થવાની શક્યતા વ્યક્ત કરી
રાજકોટ : રાજ્યમાં ઇમરજન્સી એમ્યુલન્સ સેવા પુરી પાડતા 108 વિભાગે પાછલા વર્ષોના આંકાઓના આધારે આ વર્ષે હોળી અને ધુળેટી પર્વ દરમિયાન અકસ્માત અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાની આગાહી કરી લોકોને સાવચેતી અને સમજદારીથી તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કર્યો છે. 108ની આગાહી મુજબ આ વર્ષે રોડ અકસ્માતનું પ્રમાણ 89 ટકા વધવાની સાથે શારીરિક હુમલાના કેસમાં 243.61 ટકા વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
પાછલા વર્ષોના ડેટા અનુસાર, 108-ઈ.એમ.એસ. દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 13મી માર્ચ 2025 ના હોળીના દિવસે ઈમર્જન્સી કેસોમાં 3.61% (3,870 કેસ) નો વધારો થશે અને 14મી માર્ચ 2025 ના ધુળેટીના દિવસે 29.88% (4,851 કેસ) નો વધારો થશે, જે સામાન્ય દિવસના સરેરાશ 3,735 કેસની સરખામણીએ વધુ છે. મુખ્ય રીતે, રોડ અકસ્માતો અને ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) સંબંધિત ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે.
સાથે જ હોળીના દિવસે રોડ અકસ્માતના કેસમાં વધારો થશે વધુમાં હોળીના દિવસે 36.10% (656 કેસ) અને ધુળેટીના દિવસે 89% (911 કેસ) નો વધારો થવાની સંભાવના છે, જે સામાન્ય દિવસના 482 કેસની સરખામણીએ છે. આ વધારો વાહનવ્યવહારના વધારા અને સાવચેતીના અભાવના કારણે થાય છે. ઉપરાંત ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) કેસોમાં શારીરિક હુમલા અને પડી જવાથી થતા ઇજા હોય છે, હોળીના દિવસે 33.67% (528 કેસ) અને ધુળેટીના દિવસે 129.62% (907 કેસ) નો વધારો થવાની સંભાવના છે, જે સામાન્ય દિવસના 395 કેસની સરખામણીએ છે.
શારીરિક હુમલાના કેસોમાં હોળીના દિવસે 72.93% (230 કેસ) અને ધુળેટીના દિવસે 243.61% (457 કેસ) નો વધારો થવાની શક્યતા છે, જે સામાન્ય દિવસના 133 કેસની સરખામણીએ વધુ છે. આ મોટાભાગે ઉત્સવ દરમિયાન થતાં વિવાદોને કારણે થાય છે.વધુમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડ જિલ્લામાં ધુળેટીના દિવસે 20% થી વધુ ઈમર્જન્સી કેસોનમો વધારો થવાની શક્યતા દર્શાવી છે.
સલામત, સુખદ અને જવાબદાર હોળી ઉજવવા અપીલ
ઈ.એમ.એસ., ઈ.એમ.આર.આઈના સીઈઓ જશવંત પ્રજાપતિએ રાજ્યની પ્રજાને સંદેશ આપતા જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર આનંદ અને સ્નેહનો છે, પરંતુ આપણે સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. તમામ નાગરિકોને સલાહ આપીએ છીએ કે મુસાફરી કરતી વખતે સાવધાની રાખે અને અકસ્માત ટાળવા માટે સંયમપૂર્ણ રીતે વાહન ચલાવે. સાથે જ, અમે સૌને જવાબદારીપૂર્વક ઉત્સવ ઉજવવા અને એવા વિવાદો ટાળવા અપીલ કરીહાલમાં રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ 24×7 કાર્યરત હોવાનું તેમને જણાવ્યું હતું.