રાહુલ ગાંધી અને ગેનીબેને છોડેલી બેઠકો ઉપર યોજાશે પેટાચૂંટણી : કઈ સીટ પર ક્યારે થશે મતદાન, જુઓ સંપૂર્ણ યાદી
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ સાથે, પંચે 15 રાજ્યોની 48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. તેમાં કેરળની વાયનાડ લોકસભા સીટ પણ સામેલ છે, જ્યાંથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 13 નવેમ્બરે 47 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાશે. 20મી નવેમ્બરે 1 લોકસભા અને 1 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
હકીકતમાં, આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ અને યુપીની રાયબરેલી એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. તેઓ બંને બેઠકો જીતી ગયા હતા. આ પછી તેણે વાયનાડ લોકસભા સીટ છોડવાની જાહેરાત કરી હતી અને રાયબરેલી લોકસભા સીટથી સાંસદ રહેવાનો નિર્ણય કર્યો હતો.
રાહુલ ગાંધી બીજી વખત વાયનાડથી બમ્પર વોટથી જીત્યા. 2019 માં, તેઓ વાયનાડથી રેકોર્ડ 4.31 લાખ મતોથી જીત્યા હતા. આ વખતે રાહુલ ગાંધી 3,64,422 મતોથી જીત્યા. તેમણે CPI નેતા એની રાજાને હરાવ્યા. 2019ની જેમ આ વખતે પણ રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બે સીટો પરથી ચૂંટણી લડી રહ્યા હતા. રાહુલ ગાંધીને વાયનાડ સીટ પરથી કુલ 6,47,445 વોટ મળ્યા.
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
સાંસદ બનતા ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ બેઠક ખાલી પડી હોવાથી આગામી 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ મળી શકે છે. આ બીજી તરફ કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જ્યારે ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે.
