રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ચારના મૃત્યુ : 3500 લોકોનું સ્થળાંતર
પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રાજકોટ મહાનગર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં તણાઈ જવાથી ત્રણ પશુનાં મૃત્યુ : જિલ્લાના ૨૬માંથી ૨૫ ડેમો ૧૦૦ ટકા ભરાઈને ઓવર ફ્લો
રાજકોટ : રાજકોટ જિલ્લામાં સત્તત પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભારે વરસાદમાં તણાઈ જવાથી ચાર વ્યક્તિઓના મૃત્યુ નિપજવાની સાથે ત્રણ પશુઓનાં મૃત્યુ નિપજ્યા છે અને શહેરમાં 1300 તેમજ જિલ્લામાં 2200 મળી કુલ 3500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યારે બુધવારે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં અતિવૃષ્ટિ સંદર્ભે ડિઝાસ્ટર તંત્રએ કરેલી કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી બાદમાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈએ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જિલ્લાના ડિઝાસ્ટર તંત્રએ કરેલી કામગીરીની વિગતો રજૂ કરતા કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની એક કોલમ, એસ.ડી.આર.એફ.ની બે કંપની, ગોંડલ એસ.આર.પી.ની એક કંપની તથા નગર પાલિકાઓની ફાયર બ્રિગેડની ટીમ છે. જિલ્લામાં હાલમાં 11 ફીડર બંધ છે. જિલ્લામાં ડેમના પાણી છોડવાની સ્થિતિના કારણે ચાર ગામ અત્યારે સંપર્ક વિહોણા છે. જિલ્લામાં ત્રણ પશુ મૃત્યુ થયા છે તથા બે માનવ મૃત્યુ થયા છે. હાલમાં ગોંડલની એક ઘટનામાં પાણીમાં તણાયેલા ત્રણ લોકો પૈકી પતિ-પત્નીની લાશ મળી છે જયારે બાળકની શોધખોળ શરૂ છે. સાથે જ જિલ્લામાં કુલ મળીને 21 જેટલા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. જેમાં 2200 લોકોને સ્થળાંતરિત કરીને આશ્રય અપાયો છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર તંત્રે કરેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારે વરસાદની ચેતવણીને પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરી તૈયારી કરી દેવામાં આવી હતી. આજીડેમ ઓવરફ્લો થયા પૂર્વે જ રાજકોટના ચાર જોખમી વોર્ડમાં અગાઉથી જ માઇક ફેરવીને લોકોને સલામત સ્થળે ખસી જવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. જો કે લલુડી વોકળી વિસ્તાર તથા રામનાથપરા વિસ્તારમાં પાણીનો ફ્લો વધતાં નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કુલ મળીને 1300 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ 700 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના શેલ્ટર હોમમાં અત્યારે 730 લોકોને આશ્રય અપાયો છે. જેમના માટે સવારના નાસ્તા તેમજ રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ શેલ્ટર હોમમાં રાઉન્ડ ધી કલોક ડયૂટી ગોઠવવામાં આવી છે.
આ તકે રાઘવજીભાઈએ કહ્યું હતું કે, ડિઝાસ્ટર તંત્રની આગોતરી તૈયારીના કારણે બે દિવસના ભારે વરસાદ છતાં લગભગ નહિવત નુકસાની થઈ છે. જેના કારણે તંત્રના અધિકારીઓ તેમજ આપદા વચ્ચે લોકોને ભોજન પહોંચાડનારી સમાજસેવી સંસ્થાઓ અભિનંદનને પાત્ર છે.સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની આપદા વચ્ચે ગુજરાત સરકાર, ડિઝાસ્ટર તંત્ર તેમજ સમાજસેવી સંસ્થાઓએ જે કામગીરી કરી છે તે બધા અભિનંદનને પાત્ર છે. સાંસદ રામભાઈ મોકરીયાએ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે, ભારે વરસાદ વચ્ચે રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટે 21 સ્થળે ભોજન બનાવીને 6000થી વધુ લોકોને જમાડ્યા છે. જે ખૂબ જ સારી કામગીરી છે.
આ બેઠકમાં રાજકોટના જિલ્લા પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબહેન રંગાણી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડી.આઈ.જી. જયપાલ સિંહ રાઠોર, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર બી.એ. અસારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, એડિ. કલેક્ટર મહેક જૈન, પ્રાંત અધિકારીઓ વિમલ ચક્રવર્તી અને ચાંદની પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લામાં છ નગરપાલિકા વિસ્તારમાં 791 લોકોનું સ્થળાંતર
રાજકોટ ઝોનની નગરપાલિકાઓના કમિશનર મહેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં છ નગરપાલિકા વિસ્તારમાંથી કુલ મળીને 791લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લાની ચાર નગરપાલિકા ગોંડલ, જસદણ, ઉપલેટા તથા ધોરાજીના ૧૪ વિસ્તારોમાં હાલ પાણી ભરાયાની સ્થિતિ છે. ઉપલેટામાં ચાર ઝાડ પડી ગયા હતા. મોજ અને વેણુ નદીનો પ્રવાહ વધતા ઉપલેટામાંથી 97 લોકોને સ્થળાંતરિત હતા. જ્યારે ગોંડલ તથા જસદણ નગરપાલિકા વિસ્તારમાંથી 300-300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નગરપાલિકા વિસ્તારોમાં એકપણ માનવ મૃત્યુ કે પશુ મૃત્યુ નોંધાયા નથી.