બાબરામાં લૂંટના ઈરાદે હીરાના દલાલની ઘાતકી હત્યા
3 શખસોએ કારમાં ટુવાલ વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા
પુરાવાનો નાશ કરવા લાશ પર ડીઝલ નાંખી સળગાવી દીધી
બાબરા તાલુકાના ધરોઈ નજીક ભાવનગરના તળાજા ખાતે રહેતા હીરાના દલાલની ક્રૂર રીતે હત્યા કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે. આ હીરાના દલાલની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ગુનાનો ભેદ બાબરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધરોઈ નજીક સળગેલી હાલતમાં લાશ મળી આવતા બાબરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તપાસ કરતાં મૃતકની ઓળખ ભાવનગરના તળાજા ખાતે રહેલા હીરા દલાલ ધીરુભાઈ રાઠોડની હોવાનું માલૂમ પડ્યું હતુ. જે બાદ પોલીસે મૃતદેહના અવશેષોને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી મોકલવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ડીઝલ નાંખીને લાશને સળગાવી દેવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતુ. આ મામલે પોલીસે હત્યારા કિશન ઉર્ફે કાનો, મનહર ખસીયા અને રાહુલ પરમાર નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસની પૂછપરછમાં આરોપીઓને મૃતક ધીરુભાઈ રાઠોડ પાસે હીરાના 11 લાખ લેવાના હતા. આથી હીરા વેચવા માટે તળાજા ગામે જવાનું કહી 21 સપ્ટેમ્બરના સાંજના 5 કલાકે ભાવનગર જવેલર્સ સર્કલ ખાતેથી પોતાની ફોરવ્હીલ ગાડીમાં બેસાડી તળાજા ગામે ગોપનાથ જવાના રસ્તે લઇ ગયા હતા. જ્યાં મૃતક પાસે રોકડ રૂપિયા તથા હીરા હોય ત્રણેય જણાએ મળી ધીરૂભાઇને ટુવાલ વડે ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
જે બાદ ધીરુભાઈની લાશને ફોરવ્હીલ ગાડીમાં રાખી પ્રથમ ચાંવડ ગામે અવાવરૂ જગ્યામાં લાશને સળગાવવાની કોશિષ કરી હતી. જો કે રસ્તા પર વાહનોની અવરજવર હોવાથી બીક લાગતા લાશને ધરાઇ ગામે અવાવરૂ જગ્યામાં લઇ જઈ પુરાવાનો નાશ કારવાના ઇરાદાથી લાશ ઉપર ડીઝલ નાખી લાશને સળગાવી નાખી હતી. આ સાથે જ મૃતક પાસે પાંચેક લાખના હીરા તથા રોકડ રૂ. 70 હજાર લૂંટ પણ કરી લીધી હતી