નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ: વિશ્વના 75 દેશોમાં 7500થી વધુ રકતદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબરોયે કર્યું બ્લડ ડોનેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે એક વિશાળ રક્તદાન ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઝુંબેશ દરમિયાન રક્તદાનનો એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો હતો.

અમદાવાદના આંગણે ભવ્ય રક્તદાન કેમ્પ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસે અમદાવાદના આંગણે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પમાં લોકો ઉમટી પડ્યા છે. આ સાથે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એક સાથે યોજાયા છે. સમાજ સેવા તરીકે જન્મદિનની ઉજવણી કરવામાં આવી છે.

હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ 2.0’ થીમ અંતર્ગત આયોજિત વિશ્વના સૌથી મોટા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોદીજીના ‘સેવા પરમો ધર્મ’ ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ, માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. રક્તદાન ફક્ત જીવન બચાવવા વિશે નથી, તે આશાને પોષવા, સમુદાયોને મજબૂત કરવા અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ વિશે છે.

અભિનેતા વિવેક ઓબરોયે બ્લડ ડોનેટ કર્યું
આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા રક્તદાન અમૃત મહોત્સવ 2.0માં અભિનેતા વિવેક ઓબેરોય દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા વહેલી સવારે રક્તદાન કરવામાં આવ્યું હતું અને જન્મદિવસ યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આર્મીના જવાનો દ્વારા પણ બ્લડ ડોનેશન કરાયું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં આર્મીના જવાનો દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલ બ્લડ ડોનેટ કરનાર લોકોને પણ મળ્યા હતા.

વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાયો છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ આયોજન કરાયું છે. અખિલ ભારતીય તેરાપંથના 62 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને એ જ દિવસે પ્રધાનમંત્રીનો જન્મ દિવસનો સમન્વય જેની ભવ્ય ઉજવણી કરાશે. કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાશે.

75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાયા
આ ઉપરાંત 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રી હાજર છે. આ દિવસે 5 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક છે. 75 દેશોમાં યોજાયેલા આ કેમ્પોમાં 75 હજાર યુવાનો અને 4 હજાર બ્લડ બેન્કો તથા 5 હજાર ડોકટરો સેવા આપી રહ્યા છે. આ સાથે 2500 ટેકનીશયન અને 1 લાખ સ્વયંસેવકો પણ સેવામાં જોડાયા હતા.
