ગુજરાત સહકાર ક્ષેત્રમાં ‘કમળ’ બેકફૂટ પર: રાદડિયા-સંઘાણીની બળવા ફોર્મ્યુલા હિટ, 12 થી વધુ સંસ્થાઓમાં પક્ષીય આદેશોના ધજાગરા
શિસ્તબદ્ધ સંગઠન અને કેડર-બેઇઝ્ડ પાર્ટી તરીકે ઓળખાતી ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ ગુજરાતના સહકાર ક્ષેત્રમાં ઓગળી રહ્યો હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વિધાનસભા કે લોકસભા ચૂંટણીઓની જેમ ગાંધીનગર ‘કમલમ’ કે દિલ્હી હાઈકમાન્ડથી જારી થતાં ‘મેન્ડેટ’ હવે ડેરીઓ, એપીએમસી અને સહકારી બેંકોની ચૂંટણીઓમાં માત્ર રદ્દી કાગળ સમાન પુરવાર થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રથી શરૂ થયેલી સ્થાનિક સ્તરની બળવાની પરંપરા હવે સમગ્ર રાજ્યના સહકાર જગતમાં વ્યાપી ચૂકી છે. પક્ષના સત્તાવાર વ્હીપ સામે સ્થાનિક દિગ્ગજો પોતાના અલગ ચોકા રચીને સત્તા હાંસલ કરી રહ્યા છે, જેના કારણે ભાજપનું પ્રદેશ નેતૃત્વ લાચાર બની તમાશો જોવાની સ્થિતિમાં મુકાયું છે.
પાટીલથી પંચાલ સુધી: સ્થાનિક નેતાઓએ આદેશોને અવગણ્યા
અગાઉ તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળ દરમિયાન પણ સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટના અનાદરના અનેક કિસ્સાઓ બન્યા હતા. હવે વર્તમાન પ્રદેશ નેતૃત્વમાં પણ એ જ ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને સ્થાનિક સ્તરે પ્રદેશના આદેશો માનવા કોઈ તૈયાર નથી. સહકાર ક્ષેત્રમાં પક્ષીય આદેશોની ઐસીતૈસી કરવા પાછળ સૌરાષ્ટ્રના કદાવર સહકારી અગ્રણીઓ જયેશ રાદડિયા અને દિલીપ સંધાણી દ્વારા અજમાવાયેલી સફળ રણનીતિને મુખ્ય કારણ માનવામાં આવે છે. રાદડિયાએ મંત્રીમંડળમાં સ્થાન ન હોવા છતાં ખેડૂતો અને સહકારી મતદારો પર પોતાનું વ્યક્તિગત પ્રભુત્વ જાળવી રાખી, પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે પોતાની પેનલ જીતાડીને સાબિત કરી દીધું કે સહકાર ક્ષેત્રમાં પક્ષ કરતાં વ્યક્તિગત વગ સર્વોપરી છે.
સાબર ડેરી ચૂંટણી: ફજેતી ટાળવા ચૂંટણી મોકૂફ રાખવી પડી
આંતરિક વિખવાદ અને ખુલ્લી બગાવતનું સૌથી તાજું ઉદાહરણ ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત સાબર ડેરીની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓએ સમાધાન લાવવા અને ગાંધીનગરનો મેન્ડેટ સ્વીકારાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેમ છતાં સ્થાનિક ડિરેક્ટરો અને નેતાઓ કમલમના આદેશ સામે નમવા તૈયાર ન થયા. પરિણામે પક્ષની સરેઆમ ફજેતી થાય અને બળવાખોર પેનલ સત્તાવાર પેનલને હરાવી દે તેવી સ્થિતિ નિર્માણ થતાં છેવટે સાબર ડેરીની આખી ચૂંટણી જ મોકૂફ રાખવાની નોબત આવી હતી.
સહકારમાં પક્ષની વિચારધારા સામે સ્થાનિક સમીકરણો ભારે
રાજકીય વિશ્લેષકોના મતે, સામાન્ય ચૂંટણીઓમાં કામ કરતી ભાજપની કમાન્ડ-એન્ડ-કંટ્રોલ પદ્ધતિ સહકાર ક્ષેત્રમાં નિષ્ફળ સાબિત થઈ છે. સહકારી સંસ્થાઓમાં પક્ષીય વ્હીપ કે વિચારધારા કરતાં જ્ઞાતિગત સમીકરણો, ખેડૂતોના લોકલ પ્રશ્નો, દૂધ ઉત્પાદકો સાથેના સીધા સંબંધો અને દાયકાઓ જૂનું વ્યક્તિગત લોબિંગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સ્થાનિક નેતાઓ સારી રીતે જાણે છે કે સહકારી સત્તા જાળવી રાખવા માટે પક્ષ સામે બળવો કરવો પડે તો પણ ચૂંટણી જીત્યા પછી પાર્ટી તેમની સામે કોઈ આકરા પગલાં લઈ શકતી નથી, કારણ કે ખેડૂત મતદારોનું સમર્થન તેમની સાથે હોય છે.
ડઝનથી વધુ સંસ્થાઓમાં મેન્ડેટના ચિથરા ઊડ્યા
સહકાર ક્ષેત્રમાં ભાજપના સત્તાવાર મેન્ડેટને પડકારીને સ્થાનિક નેતાઓ જીત્યા હોય તેવી એક ડઝન જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ તમામ કિસ્સાઓમાં પક્ષ શિસ્તભંગના દાવા કરતો રહ્યો, પરંતુ સત્તા બળવાખોરોના હાથમાં જતાં હાઈકમાન્ડે સમાધાન સ્વીકારવું પડ્યું છે.
જે સહકારી સંસ્થાઓમાં ભાજપના મેન્ડેટ સામે બળવો થયો
| સહકારી સંસ્થા / APMC / ડેરી | બળવો કરનાર / આગેવાની | પરિણામ / ઘટનાક્રમ |
| સાબર ડેરી (ઉત્તર ગુજરાત) | સ્થાનિક બળવાખોર ડિરેક્ટરો | પ્રદેશ નેતૃત્વ સામે ન ઝૂકતાં ફજેતી ટાળવા ચૂંટણી જ મોકૂફ રખાઈ |
| સાવલી APMC | ધારાસભ્ય કેતન ઇનામદાર | ભાજપના મેન્ડેટ વિના સમર્થકો સાથે ચૂંટણી લડી કબજો જમાવ્યો |
| બનાસકાંઠા | ધારાસભ્ય માવજી પટેલ | સત્તાવાર વ્હીપ સામે અલગ પેનલ ઊભી કરી બળવો કર્યો |
| ઇડર APMC | સ્થાનિક ભાજપ અગ્રણીઓ | પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ખુલ્લેઆમ પેનલ લડાવી |
| ગોંડલ, જેતપુર, અમરેલી APMC | જયેશ રાદડિયા સમર્થિત જૂથ / સ્થાનિક નેતાઓ | સત્તાવાર પેનલ સામે પોતાના ઉમેદવારો ઊભા રાખી વિજય મેળવ્યો |
| મઢી, ચલથાણ, બારડોલી સુગર | દક્ષિણ ગુજરાતના સ્થાનિક સભાસદો/ડિરેક્ટરો | મેન્ડેટનો વિરોધ કરી સ્વતંત્ર રીતે ચૂંટણી લડી જીત મેળવી |
| દૂધધારા ડેરી (ભરૂચ) | ધારાસભ્ય અરુણસિંહ રાણા | પક્ષના મેન્ડેટ સામે બળવાખોર ઉમેદવારોને ખુલ્લો ટેકો આપ્યો |
| સુમુલ ડેરી (સુરત) | સ્થાનિક ડિરેક્ટરોનું જૂથ | ચેરમેન-વાઇસ ચેરમેનની વરણીમાં પક્ષીય આદેશોનું ઉલ્લંઘન કર્યું |
| સુરત APMC | સ્થાનિક બળવાખોર સહકારી જૂથ | પક્ષના મેન્ડેટ સામે બળવો કરી સમાંતર પેનલ ઉતારી |
| બનાસ ડેરી | પૂર્વ સાંસદો અને વરિષ્ઠ સ્થાનિક નેતાઓ | સત્તાવાર મંજૂરી વિના જ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું |
ગુજરાતના સહકાર ક્ષેત્રમાં વારંવાર સામે આવી રહેલી આ બળવાખોરી સાબિત કરે છે કે પાયાના સહકારી માળખા પર પ્રદેશ કાર્યાલયના આદેશો થોપવા મુશ્કેલ છે. ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક ડિરેક્ટરોના વિશ્વાસ પર ટકેલા આ ક્ષેત્રમાં પક્ષીય વ્હીપ કરતાં સ્થાનિક નેતૃત્વની પકડ વધુ મજબૂત પુરવાર થઈ રહી છે. જો સંગઠન દ્વારા સહકારી સંસ્થાઓની સ્વાયત્તતા અને સ્થાનિક સમીકરણોને યોગ્ય માન આપીને સર્વસંમતિ સાધવાની નીતિ નહીં અપનાવાય, તો આગામી સ્થાનિક સ્વરાજ્ય અને સહકારી ચૂંટણીઓમાં ભાજપ માટે આ આંતરિક બગાવત વધુ મોટો માથાનો દુખાવો બની રહેશે.
