ભાજપે જિલ્લા-મહાનગરના 35 પ્રમુખો જાહેર કર્યા
શહેર-જિલ્લા અધ્યક્ષની નિમણૂકમાં સંઘ શક્તિ યુગે યુગે
વડોદરા, ખેડા, ગાંધીનગર મહાનગર, કર્ણાવતી સહિતના છ પ્રમુખોની વરણી બાકી
લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખામાં જિલ્લા અને મહાનગરના અધ્યક્ષની વરણીને લઈ ગડમથલ ચાલી રહી હતી જેમાં અંતે ગુરુવારે પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના 35 જિલ્લા અને મહાનગર અધ્યક્ષની નિમણુંક કરી છે, જો કે, ભાજપ દ્વારા સાંજના સમયે પ્રમુખો જાહેર કરવા માટે પત્રકાર પરિષદ સહિતના આયોજન કરવામાં આવ્યા હતા પરંતુ પ્રમુખોની યાદી બપોરે જ લીક થઇ જતા સોશિયલ મીડિયામાં યાદી ફરવા લાગી હતી. સંગઠન પર્વ 2024-25 અંતર્ગત જિલ્લા અને મહાનગર અધ્યક્ષની આ યાદીમાં વડોદરા, ખેડા, ગાંધીનગર મહાનગર, કર્ણાવતી, પોરબંદર અને પંચમહાલના પ્રમુખોની વરણી બાકી રાખવામાં આવી છે.નોંધનીય છે કે, ભાજપે જાહેર કરેલા 35 પ્રમુખ પૈકી 22 પ્રમુખ સંઘ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં જિલ્લા અને મહાનગર અધ્યક્ષની સંગઠન પર્વ 2024-25 અંતર્ગત જાહેરાત કરેલી યાદી બપોરથી જ સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે. યાદી મુજબ રાજકોટ મહાનગરમાં અધ્યક્ષ તરીકે ડો.માધવ દવે અને જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરીયા રિપીટ કરવામાં આવ્યા છે. સાથે ડાંગ જિલ્લા અધ્યક્ષ તરીકે કિશોર ગાવિત, સુરત મહાનગરમાં પરેશકુમાર રમેશચંદ્ર પટેલ, સુરત જિલ્લા અધ્યક્ષ તરીકે ભરતભાઈ રમણભાઈ રાઠોડ, તાપીમાં સુરજભાઈ વસાવા, નવસારીમાં ભુરાલાલ માણેકલાલ શાહ, વલસાડમાં હેમંતભાઈ કંસારા, ભરૂચમાં પ્રકાશ મોદી, નર્મદામાં નિલભાઈ રાવ, વડોદરા મહાનગરમાં ડો.જયપ્રકાશ સોની, છોટા ઉદેપુરમાં ઉમેશ રાઠવા, આણંદમાં સંજય પટેલ, મહીસાગરમાં દશરથભાઈ બારૈયા, દાહોદમાં સ્નેહલ ધારિયાની અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
જયારે ઉત્તર ગુજરાતમાં પાટણમાં રમેશ સિંધવ, મહેસાણામાં ગીરીશભાઈ રાજગોર, અમદાવાદ જિલ્લામાં શૈલેષભાઇ દાવડા, ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલભાઈ પટેલ, કચ્છમાં દેવજીભાઈ વરચંદ, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સાબરકાંઠામાં કનુભાઈ પટેલ, અરવલ્લીમાં ભીખાજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. જયારે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકામાં મયુરભાઈ ગઢવી, રાજકોટ મહાનગરમાં ડો.માધવ દવે, રાજકોટ જિલ્લામાં અલ્પેશ ઢોલરીયા, મોરબીમાં જયંતીભાઈ રાજકોટીયા, જૂનાગઢ જિલ્લામાં ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ મહાનગરમાં ગૌરવભાઇ રૂપારેલિયા, ગીર સોમનાથમાં ડો. સંજય પરમાર, ભાવનગર જિલ્લામાં દિગ્વિજયસિંહ ગોહીલ, ભાવનગર મહાનગરમાં કુમારભાઈ શાહ, બોટાદમાં મયુરભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાં હિતેન્દ્રસિંહ ચૌહાણ, અમરેલીમાં અતુલ કાનાણી, જામનગર જિલ્લામાં વિનોદ ભંડેરી અને જામનગર મહાનગરમાં બીનાબેન કોઠારીની નિમણુંક કરવામાં આવી છે.