શું તમે પણ કરી રહ્યા છો સાસણ જવાનો પ્લાન ?? તો અગાઉથી બુકીંગ કરી આ જાણકારી મેળવી લેજો…
- સાસણ-ગીરમાં ગેરકાયદે ધમધમતા તમામ ફાર્મ હાઉસ બંધ કરવા આદેશ
- સાસણ, ભોજદે, તલાળા પંથકમાં આવતા સહેલાણીઓની સુરક્ષા માટે રવિવારથી કલેકટર તંત્ર દ્વારા કડક ચેકીંગ ઝુંબેશ
રાજકોટ : રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયા બાદ સમગ્ર રાજ્યમાં અગ્નિકાંડના ઘેર પડઘા પડયા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઠેકઠેકાણે ખુલી ગયેલા ગેરકાયદેસર ફાર્મ હાઉસો ઉપર પણ તંત્રએ તવાઈ ઉતારતા ફફડાટ ફેલાયો છે, ગીરસોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે,રવિવારથી જ મહેસુલી ટીમો તમામ ફાર્મહાઉસમાં ચેકીંગ માટે ઉતરી પડશે અને ગેરરીતિ જણાયે આવા ફાર્મહાઉસ સીલ કરવામાં આવશે, બીજીતરફ હાલમાં વેકેશનનો માહોલ હોય ફાયર એનઓસી કે બીયુ પરમિશન વગરના ફાર્મ હાઉસના સંચાલકોએ બુકીંગ પણ બંધ કરી દીધાનું સામે આવ્યું છે.
વેકેશનના માહોલમાં હાલમાં ગુજરાત તેમજ ગુજરાત બહારથી મોટી સંખ્યામાં સહેલાણીઓ સિંહ દર્શન માટે તેમજ ફાર્મહાઉસમાં રહેવાની માજા લેવા માટે ગીર સોમનાથ જિલ્લામાં આવી રહ્યા છે તેવા સમયે જ રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાએ જિલ્લામાં આવેલા તમામ ફાર્મહાઉસના સંચાલકોને સરકારની એસઓપી મુજબ ફાયર એનઓસી, બીયુ પરમિશન સહિતના નિયમોનો અમલ કરવા કડક આદેશ આપી તમામ ફાર્મ હાઉસના સંચાલકોને નિયમ મુજબ પુરાવા હાજર રાખવા તેમજ બોર્ડમાં તમામ વિગતો દર્શાવવા આદેશ આપ્યો છે.
ગીર અભ્યારણ્ય નજીક સાસણ, ભોજદે, તલાળા સહિતના વિસ્તારમાં સેંકડો ફાર્મ હાઉસ આવેલા છે જેમાં મોટાભાગના ફાર્મ હાઉસો પાસે ફાયરસેફટી તેમજ બીયુ પરમિશન જેવા નિયમોનો અમલ ન કરવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે ત્યારે આ બાબતે ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાએ વોઇસ ઓફ દે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રવિવારથી તમામ ફાર્મ હાઉસમાં ચેકીંગ માટે ટીમો ઉતરશે અને જે જે સંચાલકો પાસે નિયમ મુજબની પરમિશન ન હોય તેઓને પોતાના ધંધા બંધ કરી દેવા આદેશ આપવાની સાથે જનજાગૃતિ માટે વર્કશોપ યોજી જાણકારી પણ આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ફાર્મ હાઉસોમાં બુકીંગ બંધ
સાસણ અને તલાલ તેમજ ભોજદે સહિતના વિસ્તારમાં 200થી 300 મીટરના અંતરે 1500 રૂપિયામાં 24 કલાક એસી રૂમની સુવિધા અને નાસ્તો, ભોજન તેમજ રાત્રીના વાળુની સુવિધા સાથે સ્વિમિંગપૂલની ઓફર આપતા ગેરકાયદે ફાર્મ હાઉસના સંચાલકોએ હાલ તો જિલ્લા કલેકટરના આદેશ મુજબ બુકીંગ બંધ કરી દીધા છે અને સોમવાર બાદ આવા તમામ ફાર્મહાઉસના પાટિયા પડી જનાર હોવાનું ખુદ સંચાલકો જ જણાવી રહ્યા છે, જો કે, હાલમાં વેકેશનના સમયે જ કડક કાર્યવાહી શરૂ થતા ફાર્મહાઉસ સંચાલકોના મોતિયા મરી ગયા છે.