ઉનાળુ વેકેશનની તારીખો તાત્કાલિક જાહેર કરો : સરકાર પાસે માંગ
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની માગઃ તારીખ જાહેર ન થઇ હોવાથી શિક્ષક પરિવારોના સામાજિક પ્રસંગો અટકી ગયા છે, પ્રવાસ અટવાયા છે
શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરવામાં થઇ રહેલા વિલંબ સામે રોષ ઉભો થયો છે અને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે સરકારને પત્ર લખીને વેકેશનની તારીખો તાત્કાલિક જાહેર કરવા માંગ કરી છે. સાથોસાથ એવી માંગ પણ કરવામાં આવી છે કે આ વેકેશન ૮ કે ૯ મેથી શરુ થાય તે જરૂરી છે. આ પહેલા શિક્ષણ વિભાગ દ્વારા 6 મેથી 9 જૂન સુધીનું 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ બાદ 17 મેના રોજ પરિપત્ર સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલે જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચનો નિર્ણય હોય કે શિક્ષણ વિભાગનો નિર્ણય હોય ગુજરાતના લાખો શિક્ષકો અત્યારે અટવાઇ ગયા છે. કારણ કે દર વર્ષે વેકેશન 5 કે 6 મેના રોજ પડતું હોય છે. આ વખતે પણ વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી હતી, પરંતુ અંદાજે 11-12 દિવસ પહેલા શિક્ષણ વિભાગે જાહેર કરેલો પરિપત્ર અચાનક રદ કરી દેવામાં આવ્યો છે. કદાચ શિક્ષકો ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે પરિપત્ર રદ કરવામાં આવ્યો હોય. પરંતુ ચૂંટણી પંચની મંજુરી લઇને પણ ઝડપથી પરિપત્ર થાય અને નવી તારીખો જાહેર થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે પત્ર લખ્યો છે.
હજુ સુધી આ બાબતે સરકારે અને શિક્ષણ વિભાગે કોઇ નિર્ણય ન કર્યો હોવાના કારણે લાખો શિક્ષકોના પરિવારની અંદર સામાજિક પ્રસંગો ક્યારે કરવા અથવા શિક્ષકોએ પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસનું આયોજન કર્યું હતું . તેની તારીખો પણ કેન્સલ કરવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. તેથી રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે પત્ર લખીને ઝડપથી તારીખો જાહેર કરવામાં આવે તેવો અનુરોધ કર્યો છે. 9 મેના રોજ મોટાભાગના શિક્ષકોએ વિદેશ પ્રવાસનું આયોજન કરેલું છે. 8 મેથી વેકેશન જાહેર કરવામાં આવે. 9 મેથી વેકેશન જાહેર કરવામાં આવે તેવી અમારી માગણી છે. વેકેશનની તારીખ અંગેનો નવો પરિપત્ર ઝડપથી જાહેર કરવામાં આવે તેવી અમારી માગણી છે.
નોંધનીય છેકે, 16 એપ્રિલના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 6 મેથી 9 જૂન સુધીનું 35 દિવસનું વેકેશન જાહેર કરવમાં આવ્યું હતું. જોકે 17 એપ્રિલના રોજ આ પરિપત્ર આગળની સુચના ન મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં ઉનાળું વેકેશન ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે કંઇ જણાવવામાં ન આવતા શિક્ષણ જગત અસમંજસમાં મુકાયુ હતું.