ચોટીલા નજીક થાન રોડ પર સુરજદેવળ મંદિર પાસે બાઇક આડે કુતરૂ આવી જતાં બાઇક સ્લીપ થઇ જતાં યુવાન અને તેનો પાંચ વર્ષનો પુત્ર માર્ગ પર પટકાયા હતા.અને પુત્રને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને અહિ તેનું ટૂંકી સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પિતા-પુત્ર તરણેતરના મેળામાં ફરવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો.
વિગત મુજબ ચોટીલામાં થાન રોડ પર ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં અને છુટક ફોટોગ્રાફીનું કામ કરતાં સુરેશભાઈ પરમાર ગઇકાલે બાઇકમાં પુત્ર કૃપાલ (ઉ.વ.૫)ને બેસાડી તરણેતર મેળામાં ગયા હતાં. ત્યાંથી પિતા-પુત્ર પરત ચોટીલા આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં થાન રોડ પર સુરજદેવળના મંદિર પાસે પહોંચ્યા ત્યારે રોડ પર કુતરૂ આડે આવી જતાં બાઇક સ્લીપ થઇ ગયું હતું. પિતા-પુત્ર ફંગોળાઇ જતાં પિતાને નજીવી ઇજા થઇ હતી અને પુત્ર કૃપાલને ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહી તેનું વહેલી સવારે મૃત્યુ થયું હતું.પ્રાથમિક તપાસમાં મૃતક બાળક બહેન-ભાઈમા નાનો છે અને મૃતકના પિતા ફોટોગ્રાફર છે. માસૂમ પુત્રના મોત બાદ પરિવારે અન્યના જીવનને રોશન કરવા માટે ચક્ષુદાન કરાવ્યું હતું.