અમરેલી : નાની કુકાવાવ ગામે સસરા પર ખુની હુમલો કરનાર પોલીસ કોન્સટેબલ સહીત ત્રણનો નિર્દોષ છુટકારો
અમરેલી નાની કુકાવાવ ગામે પત્ની રિસામણે હોય જે વાતનું મનદુઃખ રાખી પોલીસ કોન્સ્ટેબલ તેના સસરાને ધોકા વડે ફટકારી ગંભીર હુમલો કર્યો હતો. જે કેસમાં અદાલતે આરોપી દીપક સોનરા સહિત ત્રણ શખસોને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત મુજબ, અમરેલીના વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે રહેતા નિવૃત ફોરેસ્ટ ઓફિસર વાઘજીભાઈ ગત તારીખ 27/9/21 મંદિરે પૂજા કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના જમાઈ પોલીસ કોન્સ્ટેબલ દીપક બહાદુરભાઈ સોનારા ,દેશુરભાઈ ચાવડા અને રામદેવ માલકીયાએ બેઝબોલના ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે વડીયા પોલીસ મથકમાં હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

કેસ ચાલવા પર આવતા ફરીયાદપક્ષે ૨૧ સાહેદો, ૩૩ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. જે બાદ આરોપી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, આ કેસમાં કોઈ સીધો પુરાવો નથી.તમામ પંચો પણ હોસ્ટાઇલ હોય ત્યારે સીસીટીવી ફૂટેજ અને કોલ ડીટેઈલમાં પણ કોઈ પુરાવો મળી આવેલ નથી. બંને પક્ષોની દલીલો અને રજૂઆતોને અંતે અદાલતે આરોપી દીપક સોનારા સહિતના ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વતી એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.