‘અમીરો’ની જુગારકલબ : કમ્ફર્ટ હોટેલમાં જુગાર રમતા શિલ્પા જવેલર્સના માલિક ભાસ્કર પ્રભુદાસ પારેખ સહિત 9 ઝડપાયા
એક બાજુ દિવાળી નજીક આવતાં જ લોકો તેની ઉજવણીમાં મસ્ત બનવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ તહેવારમાં મોટાપાયે જુગટું ખેલવા માટે જુગારીઓ પણ મેદાને ઉતરી પડ્યા છે. આવી જ એક હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ મોરબી-ટંકારા હાઈ-વે રોડ ઉપર આવેલી કમ્ફર્ટ હોટેલના સ્યુટ રૂમમાં ચાલી રહી હોવાની બાતમી મળતાં ટંકારા પોલીસે દરોડો પાડીને રાજકોટના શિલ્પા જ્વેલર્સના માલિક ભાસ્કર પ્રભુદાસ પારેખ ઉપરાંત રાજકોટના પાંચ સહિત ૯ જુગારીઓને ૧૨ લાખની રોકડ સહિત ૬૩ લાખના મુદ્દામાલ સાથે દબોચી લેતાં સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચી જવા પામી હતી.
ટંકારા પોલીસ મથકના પીઆઈ વાય.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે હોટેલ કમ્ફર્ટ ઈનના રૂમ નં.૧૦૫ કે જે સ્યુટ રૂમ છે ત્યાં દરોડો પાડીને કસીનોમાં જેવી રીતે રમાય તે પ્રકારે કોઈન આધારિત જુગાર ક્લબ પકડી પાડી હતી. જુગારક્લબ ધમધમી રહ્યાની બાતમી મળતાં જ પોલીસ હોટેલ દોડી ગઈ હતી. આ પછી પાર્કિંગમાં જીજે૩કેસી-૧૪૦૦ નંબરની એક ફોર્ચ્યુનર કાર પડી હતી જેમાં રાજકોટના આમ્રપાલી ફાટક પાસે રહેતો ગોપાલ રણછોડભાઈ સભાડ (ઉ.વ.૨૭) અને ચીરાગ રસિકભાઈ ધામેચા (રહે.ગાંધીગ્રામ, માતૃકૃપા શેરી નં.૧) મળી આવ્યો હતો. આ બન્ને પાસેથી ૧૨ લાખની રોકડ પણ મળી આવી હતી જે અંગે પૂછપરછ કરતાં આ પૈસા જુગારક્લબમાં રમવા આવેલા જુગારીઓ પાસેથી `બેન્ક’ પેટે એકઠા કર્યા હોવાન કબૂલાત આપી હતી.
આ ઉપરાંત અન્ય એક ફોર્ચ્યુનર કાર જેના નંબર જીજે૩એમએચ-૭૦૨૧ પણ મળી આવી હતી. એકંદરે ગોપાલ અને ચિરાગ બન્ને ડ્રાઈવર હોવાનું ખુલ્યું હતું. જ્યાં આ જુગારક્લબ ચાલી રહી હતી તે હોટેલનો રૂમ રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ જાડેજાના નામે બુક થયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ પછી પોલીસે માસ્ટર-કીના આધશરે રૂમમાં જઈ તપાસ કરતાં ત્યાં ટોકનના આધારે જુગાર રમાઈ રહ્યો હતો.
પોલીસનો દરોડો પડતાં જ જુગારીઓ હક્કાબક્કા થઈ ગયા હતા. જુગારફિલ્ડમાંથી પોલીસે રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે.ખરેડી-કાલાવડ), રવિ મનસુખભાઈ પટેલ (રહે.મોરબી એવન્યુ પાર્ક સોસાયટી), વિમલ રામજીભાઈ પટેલ (રહે.રૈયારોડ-રાજકોટ), ભાસ્કર પ્રભુદાસભાઈ પારેખ (રહે.પ્રહલાદ પ્લોટ, દિગ્વિજય રોડ), કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ (રહે.કાલાવડ રોડ-રાજકોટ), શૈલેષ ગંગદાસભાઈ ઠુમ્મર (રહે.શ્રીજી પાર્ક સોસાયટી-રાજકોટ) અને નીતેષ નારણભાઈ ઝાલરિયા (રહે.મોરબી)ને પકડી પાડ્યા હતા.
આ લોકો પાસેથી અલગ-અલગ પ્રકારના આંકડા લખેલા ટોકન પણ મળી આવ્યા હતા. ટંકારા પોલીસે ૧૨ લાખની રોકડ ઉપરાંત કાર સહિત ૬૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી.
ભાસ્કર પારેખ પાસેથી ૧,૬૩,૧૦૦ના ટોકન મળ્યા
પોલીસે જુગાર ફિલ્ડમાંથી રાજકોટના શિલ્પા જ્વેલર્સના માલિક ભાસ્કર પ્રભુદાસભાઈ પારેખને પણ પકડી પાડ્યો હતો. ભાસ્કર પારેખ પાસેથી અલગ-અલગ દરના ૩૮ ટોકન મળી આવ્યા હતા જેની કિંમત ૧,૬૩,૧૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. ઉલ્લેખનીય છે કે ભાસ્કર પારેખ રાજકોટ જ નહીં આખા દેશને હચમચાવી નાખનારા ભાસ્કર-પરેશ અપહરણકાંડનો પીડિત છે જેને છોડાવવા માટે રાજકોટ સહિતના શહેરોની પોલીસે આકાશ-પાતાળ એક કરી દીધા હતા.
`બેન્ક’ આધારિત જુગાર, પહેલાં પૈસા જમા કરાવવાના પછી જ ટોકન-એન્ટ્રી મળે
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થવા પામ્યો છે કે આ જુગારક્લબ બેન્ક આધારિત રમાઈ રહી હતી મતલબ કે કોઈ જુગારી અહીં જુગાર રમવા આવે એટલે તેણે એકાદ-બે લાખ રૂપિયાની રોકડ રકમ કારમાં બેઠેલા ચિરાગ અને ગોપાલ પાસે જમા કરાવવાની અને ત્યારબાદ તેમને જમા કરાયેલી રકમના ટોકન આપવામાં આવતા હતા અને તેના આધારે જુગાર રમાઈ રહ્યો હતો.
શનિવારે રાત્રે ૧૦ વાગ્યે રૂમ બુક થયો’ને દોઢ જ કલાકમાં પોલીસે પાડ્યો દરોડો
એવો પણ ખુલાસો થયો છે કે ખરેડી (કાલાવડ)ના રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ જાડેજાએ પોતાના નામે કમ્ફર્ટ ઈન હોટેલમાં ૧૦૫ નંબરનો સ્યુટ રૂમ શનિવારે રાત્રે ૧૦ વાગ્યે બુક કરાવ્યો હતો. આ પછી જુગારીઓ એકઠા થયા અને જુગાર રમાવાનું શરૂ થયું ત્યાં જ દોઢ કલાકની અંદર ટંકારા પોલીસે દરોડો પાડીને તમામને દબોચી લીધા હતા.
૫૦ રૂપિયાથી લઈ ૫૦,૦૦૦ના ટોકન મળ્યા
પોલીસે જુગાર ફિલ્ડમાંથી ૫૦ રૂપિયાથી લઈ ૫૦,૦૦૦ સુધીના ટોકન કબજે કર્યા હતા. આ જુગાર ક્લબ માત્રને માત્ર ટોકન આધારે જ ચાલતી હતી. અહીં જુગારીઓ તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા જેમાં આ ટોકનનો ઉપયોગ કરી લાખો રૂપિયાની હારજીત થઈ રહી હતી.