આજીએ કર્યા રાજી: 4 મહિના સુધી RMCએ સરકાર પાસેથી વેચાતું પાણી નહીં લેવું પડે, રાજકોટ જિલ્લાના 14 ડેમ 100 ટકા ભરાયા
રાજકોટવાસીના સૌથી પ્રિય અને શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટેના મુખ્ય જળસ્ત્રોત એવો આજી ડેમ મહત્તમ નર્મદા નીરથી અને અમુક અંશે વરસાદને કારણે ઓવરફલો થઈ જતા હવે ચાર મહિના સુધી મહાપાલિકાએ સરકાર પાસેથી વેચાતું પાણી લેવું પડશે નહીં. ડેમ ભરાઈ જતા 31 જાન્યુઆરી સુધીનો સંગ્રહ થઈ જવા પામ્યો છે. આજી ડેમ ભરાઈ જતા તેને નિહાળવા માટે રવિવારથી જ લોકો ઉમટી પડયા હતા તો સોમવારે સવારે મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતનાએ પાણીને વધાવ્યું હતું.
રાજકોટ જિલ્લાના 14 ડેમ 100 ટકા ભરાયા
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ખાસ કરીને વરસાદની ઘટ ધરાવતા સૌરાષ્ટ્રને સારો એવો ફાયદો થયો છે. મેઘમહેરને પગલે છેલ્લા ચાર દિવસમાં જ સૌરાષ્ટ્રના 71 ડેમો છલોછલ ભરાઈ ગયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ જોવામાં આવે તો જિલ્લાના 27 પૈકી 14 ડેમ 100 ટકા ભરાઈ ગયા હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા જણાવી રહ્યા છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યમાં સતત વરસાદને પગલે નર્મદા ડેમની સપાટી 446.12 ફૂટના સ્તરે પહોંચી છે અને ડેમ 91 ટકા ભરાઇ ગયો છે. હાલમાં રાજ્યના 98 ડેમ 100 ટકા ભરાયા છે જેમાં સૌરાષ્ટ્રના 71 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. હાલમાં રાજ્યના 127 ડેમમાં ઉપરવાસ વરસાદને કારણે પાણીની સતત આવક ચાલુ હોય હાઇએલર્ટ ઉપર હોવાનું જાહેર કરાયું છે.
સૌરાષ્ટ્રનમાં ડેમોની જિલ્લા મુજબ સ્થિતિ જોવામાં આવે તો અમરેલી જીણામાં 6, ભાવનગરમાં 9, દેવભૂમિ દ્વારકામાં 9, જામનગરના 10, જૂનાગઢના 6, કચ્છના આઠ, મોરબીના 3, પોરબંદરના 4, રાજકોટના 14 અને સુરેન્દ્રનગરના 2 ડેમ મળી કુલ 71 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે જેમાં રાજકોટના માલગઢ, વેરી, લાલપરી, કબીર સરોવર, ન્યારી-2, ફાળદંગ બેટી, વેણુ-2, સુરવો, મોજ, સોડવદર અને આજી-1નો સમાવેશ થાય છે.
