અમદાવાદ ઇફેકટ : રાજકોટની 2500 સ્કૂલોમાં ‘શિસ્ત સમિતિ’ રચાશે,બાળકની બેગનું શિક્ષકો સરપ્રાઈઝ ચેકીંગ ફરશે
અમદાવાદની ખાનગી શાળામાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોની સુરક્ષા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા માટે આદેશ કરાયો છે.
રાજકોટ ડી.ઈ.ઓ. દીક્ષિત પટેલ દ્વારા એક પરિપત્ર કરી શહેર અને જિલ્લાની બધી શાળાઓમાં ડીસીપ્લીન કમિટી બનાવવા આચાર્યો, શાળા સંચાલકોને જણાવ્યું છે. રાજકોટ શહેર સહિત જિલ્લાની 2500થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને આ પરિપત્રમાં દ્વારા સ્કુલ સેફટી પોલિસી 2016 ને ધ્યાને રાખી સૂચનો કરાયા છે. આ કમિટીમાં શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી અથવા વર્ગના મોનિટર કે પછી જીએસ સભ્યનો સમાવેશ કરાશે.
સમગ્ર શાળાકેમ્પસ કે મેદાનમાં, રિસેશ સમયે રમત ગમતના મેદાનમાં અને શાળાએ આવવા જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની, શિક્ષકોની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહે તે માટે તેમને અભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાના રહેશે, નિર્ભય વાતાવરણમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટેની તકેદારી રાખવી, આચાર્ય અને શિક્ષકને શાળામાં આવનાર બાળકોની સલામતી જાળવવાની પ્રાથમિકતા આપવી.
આ પણ વાંચો :રાજકોટની બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થીનો આપઘાત : એનેસ્થેટિક ઓવરડોઝ લઈ લેતાં નીપજ્યું મોત, ખેડૂત પરિવારમાં શોક
ડી.ઈ.ઓ દીક્ષિત પટેલએ કહ્યું હતું કે,ખાસ કરીને શાળા કક્ષાએ બાળકોની સલામતી રાખવાની જવાબદારી શિક્ષકગણ અને આચાર્યની રહેશે. થોડા-થોડા સમયએ સ્કૂલબેગની આકસ્મિક ચકાસણી, બાળકો શાળાએ આવે એ પહેલાં વિદ્યાર્થીઓના સ્કૂલબેગની ચકાસણી વાલીઓએ કરવાની રહેશે જે અંગે વાલી મીટીંગ બોલાવીને દરેક વાલીઓને સૂચના આપવા માટેનું જણાવ્યું છે. જો શાળામાં બનતી અસાધારણ ઘટના અંગે ડી.ઈ.ઓ. કચેરીને જાણ કરવા સૂચન કર્યું છે. જોકે આ બાબતે વાલીઓએ ટકોર કરી હતી કે, સમિતિ બનશે કે માત્ર કાગળ બનીને રહી જશે…!!
