માસૂમ પુત્રની હત્યા કરી ક્રૂર માતાએ ઘરે આવી ભગવાનના દીવા પણ કર્યા !! પાષાણ હૃદયની માતાની ધરપકડ
સવારે બે વર્ષના પુત્રને લઇને નીકળી ગઇ હતી, કુવામાં ફેંકી દઇ મોડી સાંજે પરત ફરી, કંઇ બન્યું જ ન હોય તેમ સાસરિયા સાથે રહેવા લાગી, અંતે પાપનો ઘડો ફૂટતાં પુત્રની હત્યામાં પાષાણ હૃદયની માતાની ધરપકડ
રાજકોટ શહેરમાં આજી ડેમ સર્કલ પાસે ભારતનગર-૧૨માં રહેતી પાષાણ હૃદયની અથવા તો દયાહીન ક્રુર એવી જનેતાએ પોતાના જ પેટના જણ્યા બે વર્ષના ફૂલ જેવા માસુમ પુત્રની કુવામાં ફેંકી દઇ કરેલી હત્યામાં આરોપી ક્રૂર માતાએ જાણે કાંઇ બન્યું જ ન હોય તેમ હત્યા બાદ ઘરે આવીને ભગવાનના દીવા પણ કર્યા હતાં. એક માસ બાદ પાપનો ઘડો ફૂટતા એરપોર્ટ પોલીસે મા શબ્દને લાંછન લાગે તેવી ક્રૂરતા આચરનાર ભાવુ રણછોડ કિહલા નામની મહિલાની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદની વિગતો મુજબ રાજકોટના ભારતનગરમાં રહેતા રણછોડ બુદ્ધિવસ્થિના પુત્રી ભાવુ સાથે પાંચ વર્ષ પહેલા થયા હતાં. પ્રથમ સંતાનમાં પુત્રી આશા (ઉ.વ.૩) અવતરી હતી. ત્યારબાદ એક વર્ષ પછી જેનો જીવ લીધો એ પુત્ર આર્યન (ઉ.વ.૨)નો જન્મ થયો હતો. આર્યનના જન્મ બાદ સંતાન કોનું છે? તે બાબતે પતિ રણછોડને શંકા-કુશંકા થતી, પોતાનું નહીં અન્યનું બાળક છે કહી પત્ની સાથે બન્ને વચ્ચે માથાકૂટ થતી હતી. ઝગડામાં મહિલા અવારનવાર પીયરે રિસામણે પણ ચાલી જતી હતી અને કુટુંબીઓ, સમાજના લાગતા વળગતાઓની મધ્યસ્થીથી સમાધાન થતું અને પાછી સાસરીયે રાજકોટ પરત ફરતી હતી. સમાધાન સમયે પત્ની હવે કોઈ સાથે કાંઈ નથી કે વાતો નહીં કરે તેવી બાંહેધરી, ખાતરી આપતી હતી. આમ છતાં આજથી છએક માસ પહેલા મહિલા અન્ય કોઈ સાથે ફોનમાં વાતો કરતી હતી અને પતિ રણછોડે પકડી હતી. ત્યારે પતિ રણછોડે કહ્યું કે, જો તારી લફરા જ કરવા હોય તો મારી સાથે ન રહે, માવતરે ચાલી જા. જેથી ભાવુ ફરી રિસામણે ચાલી ગઈ હતી. થોડા વખત બધા સમાધાન થયું હતું ત્યારે ભાવુને જેની સાથે સબંધો હતાની વાત છે તે ગભરૂ કાળોતરા પણ હાજર હતો. સમાધાન બાદ પાછો પત્ની તથા બાળકોને લઈ રણછોડ રાજકોટ આવ્યો હતો.
ઘરે આવ્યાના થોડા દિવસ બાદ ફરી બંને વચ્ચે ઝગડા થવા લાવ્યા હતા. પતિ રણછોડ કહેતો કે આ પુત્ર (આર્યન) મારો નથી. તું બોલ કોનો છોકરો છે. જેથી દોઢેક માસ પહેલા પત્ની ભાવુએ કહ્યું કે, આ છોકરો તમારો નથી. આ છોકરો ગભરૂ કાળોતરાનો છે. હુ તેને આપવા જાવ છું. ઝગડા બાદ ભાવુ પુત્રને લઇને સવારે
નીકળી ગઈ હતી. અને પુત્રને કુવામાં ફેંકી દઈ હત્યા કરીને સાંજના આઠેક વાગ્યે ઘરે ફરી હતી. ઘરે આવ્યા બાદ જાણે કાંઈ બન્યું ન હય તેમ અને પતિ થા સાસરીયાઓને શંકા ન ઉપજે એ રીતે ભગવાન પાસે દિવા કર્યા અને કહ્યું કે, છોકરો જેનો હતો તેને મેં આપી દીધો છો. હવે હું લફરું નહીં કરું, આવી ભુલ નહીં કરૂ. પતિ સહિતના વિશ્વાસમાં આવી ગયા હતાં. ઘરમાં સરખી રહેવા લાગી હતી. પતિ રણછોડ પણ શંકા કરતો ન હતો. થોડા દિવસ બાદ પીયરે ચાલી ગઈ હતી.
દરમિયાનમાં ત્રણ દિવસ પહેલા રણછોડના નાના ભાઈ ગોપાલને ત્યાં દિકરીનો જન્મ થતાં રણછોડે પત્ની ભાવુને છઠ્ઠીના દિવસે આવી જવા કહ્યું હતું. ત્યારે ભાવુએ કહ્યું કે, તે અને તેના ભાઈ બંને છઠ્ઠીના દિવસે આવશું. મારા વગર છઠ્ઠી ન કરતાં. ત્યારબાદ ગઈકાલે રણછોડને ખબર પડી કે, પુત્ર આર્યનની હત્યા તેની પત્ની ભાવએ કરી લાશ કુવામાં ફેંકી દીધી છે. ભાવુના પાપનો ભાંડાફોડ થતાં એરપોર્ટ પોલીસે ભાવુ સામે હત્યાના આરોપનો ગુનો નોંધી પી.આઈ. આઈ.એન.સાવલીયા તથા સ્ટાફે ધરપકડ કરી છે. ફિલ્મી કહાની જેવી ખરી હકિકતથી પોલીસ મહિલા પર આક્રોપીત બની હતી અને આવા ક્રુર કૃત્યનો પોલીસને પરિભાષામાં બરાબર પરચો પણ આપ્યો હતો.
બીજી વખત ગર્ભવતી બની ત્યારે જ પતિને કહી દીધું કે, આ છોકરું તારું નથી…!
દંપતી વચ્ચે લગ્નના એક વર્ષ બાદ પત્નીના ચારિત્ર્યને લઇને ઝગડા ચાલતા હતા. પતિને શંકા હતી કે, પત્ની ભાવુને કોઇકની સાથે લફરું છે. દાંપત્ય જીવન દરમિયાન ભાવુ બીજી વખત ગર્ભવતી (આર્યનને જન્મ આપ્યો) બની હતી. ગર્ભવતી થઈ ત્યારે જ બંને વચ્ચે ડખ્ખા થયા હતાં. પતિ રણછોડે કહ્યું કે, તારા પેટમાં છોકરું છે એ કોનું છે. બેબાક બનીને ભાવુએ કહી દીધું કે, આ છોકરું તારું નથી. હું જેને પ્રેમ કરું છું તે રબારીના છોકરાનું છે. જેથી પતિએ કહ્યું કે, તારે રબારીનો છોકરો રાખવો હોય તો તારા માવતરે ચાલીજા. રણછોડના માતા-પિતાએ ડોકટર પાસે જઈને તપાસ કરાવવાનું કહેતા પત્ની ભાવુએ ના પાડી હતી. અને માવતરે ચાલી ગઇ હતી. ત્યાં સાત મહિલા બાદ પુત્રને જન્મ આપ્યો હતો.
થોરાળા પોલીસની કડકાઇ અને કુનેહથી હત્યાનો વણઉકેલ ભેદ ઉકેલાયો…
ઘરેથી ગત તા.૨૩/૨ના રોજ સવારે માસુમ પુત્રને લઈને બેડી રામપરા પાસે કુવામાં ફેંકી દીધા બાદ થોડા દિવસ સાસરીયામાં જ રહીને પીયરે ચાલી ગયેલી ભાવુ ગઇકાલે સામેથી તેના સાસરીયાના વિસ્તારમાં આવતા થોરાળા પોલીસ મથકે પહોંચી હતી. પતિ સહિતનાને પુત્રની હત્યામાં ફસાવી દેવાના ઇરાદે ગયેલી ભાવુએ પોલીસ સમક્ષ પુત્રની હત્યા પતિએ કર્યાની કહાની ઘડી હતી. થોરાળા પી.આઇ. જી.એન.વાઘેલા, પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્વરી, એ.એસ.આઇ. દેવશીભાઈ, રાજેશભાઈ, જમાદાર જયુભા ભરતસિસંહ, હસમુખ નીનામા, કોન્સ્ટેબલ સંજય અલગોતર, પ્રકાશ ચાવડા સહિતની ટીમે મહિલાની વાત સાંભળી હતી. સીધા જ વિશ્વાસ કરી બેસવાને બદલે મહિલાના પતિ, સાસરીયાને લઈ આવ્યા હતાં. તેઓ પાસેથી વિગતો જાણી પોલીસે મહિલા સામે પોલીસની ભાષામાં કડકાઈ દાખવી હતી. કુનેહ વાપરી મહિલા પાસેથી વિગતો ઓંકાવી હતી અને અંતે મહિલા ભાવુએ જ કબુલ્યું કે, મે જ પુત્રને કુવામાં ફેંકી દીધો હતો. કડકે કટકે બે, ત્રણ રિક્ષા બદલાવી કુવાડવા હાઇવે પર ઉતરી કુવાની શોધ કરતા વાડી વિસ્તારમાં ગઈ હતી અને કુવો મળતા જ બાળકને ફેંકી દીધો હતો. મહિલા જો સામેથી પોલીસ સમક્ષ ન ગઈ હોત અને થોરાળા પોલીસે મહેનત ન કરી હોત તો કદાચ બનાવ હજી વણઉકેલ હોત.