યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા બાદ ચા પીવા બોલાવ્યો અને પછી…
રાજકોટ રહેતો યુવક જામનગર કામ કરવા ગયો હોય જ્યાંથી પરત ફરતી વેળાએ તુફાન કારના ચાલકે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા બાદ ચા પીવા માટે કાલાવડ રોડ પર આવેલી ચાની દુકાને બોલાવ્યો હતો જ્યાં કારમાં ધસી આવેલા શખ્સોએ યુવકને ઢીકાપાટુંનો માર મારતા સમગ્ર મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, કાલાવડ રોડ પર હરીપર ગામના પાટિયા પાસે રહેતો હિતેશ દિનેશભાઈ ચૌહાણ નામના યુવકે યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી ધર્મેશ ઉર્ફે ધમભા જાડેજા, મીત રાજપુત અને અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, યુવક કેટરર્સ માં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે બુધવારે તેને કામ બાબતે જામનગર જવાનું થયું હોય ત્યાંથી કેટરર્સનો કામ પતાવીને રાત્રે તે રાજકોટ પરત ફરતો હતો ત્યારે તુફાન કારના ચાલક ધર્મેશ જાડેજાએ યુવકને આગળની સીટમાં બેસવાની ના પાડીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. જેથી યુવક સાથે રહેલી બીજી કારમાં બેસીને રાજકોટ ઘરે પહોંચ્યો હતો.
દરમિયાન રાત્રિના ચાર વાગ્યા આસપાસ પ્રકાશ રાઠોડ નામના શખ્સનો ફોન આવેલ અને જણાવેલ કે, કાલાવડ રોડ પર આવેલ દ્વારકાધીશ પાન પાસે આવ ધર્મશ જાડેજા બોલાવે છે. જેથી યુવક અહીં પહોંચતા બધા ચા પી રહ્યા હોય તેવામાં GJ.03.MH.0842 નામની કાર આવેલી જેમાંથી ચાર અજાણ્યા શખસો ઉતરી ધર્મેશ પાસે આવેલા અને કહ્યું ભાણા કોણ છે જેથી ધર્મશે યુવકનું નામ આપતા ચારેય શખસોએ તેને ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. યુવકની સાથે રહેલા અન્ય મિત્રોએ તેને વધુ મારથી બચાવી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યો હતો. બનાવ અંગે પોલીસે એટ્રોસિટી મારામારી સહિતની કલમના આધારે ગુન્હો નોંધ્યો છે