સંસ્થાના પ્રમુખે મળતીયાઓ સાથે મળીને ૧૩ કરોડનું ફુલેકુ ફેરવતા ગુનો નોંધાયો ‘તો
વોઇસ ઓફ ડે, રાજકોટ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર અદિતિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લી. ના પ્રમુખે જગદીશસિંહ જાડેજાએ તેના મળતિયાઓ સાથે મળીને ૧૩ કરોડની ઉચાપત કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે કેસમાં મંડળીના પૂર્વ મંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, કમીટીના સભ્ય અરૂણસિંહ જાડેજા,તેમજ કોમ્પુટર ઓપરેટર બ્રીજરાજસિંહ જાડેજાએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટએ રદ કરી હતી.
આ કેસની હકિકત મુજબ, અદિતિ મંડળી દ્વારા આર.ડી.સી બેન્કમાંથી રૂ. ૨૯ કરોડની લોન લઈને તે લોન જમાં ન કરાવીને તેમાંથી રૂ.૧૩ કરોડ મંડળીના પ્રમુખ જગદીશસિંહ જાડેજાએ તેના મળતીયાઓ સાથે મળીને પોતાના તેમજ સગા સબંધીઓ અને પરિવારના અંગત આર્થિક લાભમાં ઉપયોગ કરી ફોટા હિસાબો તેમજ બનાવટ દસ્તાવેજો બનાવીને ઉચાપત કરી હતી. જે અંગે આરડીસી બેંકના મેનેજર દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા. પોલીસે અદિતિ મંડળીના પ્રમુખ, પૂર્વ મંત્રી , વ્યવસ્થાપક કમિટીના સભ્ય, કોમ્પ્યુટર ઓપરેટર સહિત ૧૪ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જે બાદ પોલીસ એફઆઇઆર માં જણાવેલા આરોપીઓ પૈકી ઉપેન્દ્રસિંહ જાડેજા,અરુણસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.જે અરજી સુનાવણી ચાલતા ફરિયાદી પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ ઇકોનોમિક ઓફેન્સને કેન્સર તથા ખૂન કરતાં પણ વધુ ગંભીર તેમજ અર્થતંત્રની બીમારી બતાવેલ છે. આરોપીઓએ પોતાના તથા તેમજ પરિવારના ખાતાઓમાં નાણા જમા લઈને પબ્લિકના નાણાંનો દૂરવ્યય કરી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે.
બંને પક્ષકારોની દલીલો રજૂ રાખેલા વડી અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં લઈને સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓના આગોતરા જામીન રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી આર.ડી.સી. બેંક વતી એડવોકેટ સુરેશ ફળદુ,ભુવનેશ શાહી, કુણાલ શાહ, રીપલ ગેવરિયા,પાર્થ સંઘાણી,મંથન વીરડીયા,કિશન માંડલિયા,ભાવિક ફેફર,જય પીઠવા,તથા મદદમાં યુવરાજ વેકરીયા,નીરવ દોંગા,પ્રિન્સ રામાણી,આર્યન કોરાટ,ભાવીન ખૂંટ,જસ્મીન દુધાગરા,અભય સભાયા,તેમજ સરકાર તરફે અતુલ જોષી રોકાયેલા હતા.