સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકને આવ્યો હાર્ટ એટેક : PSI બનવા માટે 5 કિમીની દોડ લગાવતા મેદાનમાં ઢળી પડ્યો
હાલ રાજ્યમાં પોલીસ ભરતી પરીક્ષા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. જે માટે અલગ-અલગ સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે જાય છે ત્યારે પોલીસ ભરતીની એક દુખદ ઘટના સામે આવી છે જેમાં સુરતમાં પોલીસ ભરતીના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવેલ યુવકને એટેક આવ્યો હતો. SRP ગ્રુપ 11ના પોલીસ ગ્રાઉન્ડમાં દોડ સમયે અચાનક યુવક ઢળી પડ્યો. મેડિકલ ટીમે યુવકને CPR આપી બચાવવાનો પણ પ્રયાસ કર્યો. તેમ છતા તાપી જિલ્લાના 36 વર્ષીય ઉમેદવારને બચાવી શક્યા નહોતા.
મૃતક યુવાન પોલીસ કોન્સ્ટેબલ હતો
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના કામરેજના વાવની છે જ્યાં વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયો હતો. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. આથી ફરજ પરના ડો. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યો હતો.
પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે.