અંગદાન મહાદાન !! અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સર્જાયો અનોખો રેકોર્ડ, 30 હજારથી વધુ લોકોએ લીધા અંગદાનના શપથ
રાજકોટ અને ગુજરાતમાં ઓર્ગન ડોનેશન માટે કાર્યરત વિવિઘ એન જી ઓ ની મહેનત રંગ લાવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ભારત અને ઇંગ્લેન્ડની મેચ દરમિયાન અંગદાન જાગૃતિ માટેની ઝુંબેશ પુરજોશમાં કરવામાં આવી હતી. માનવસેવાની મહત્વની ગણાતી આ ઝુંબેશમાં ભારતીય ક્રિકેટરો પણ જોડાયા હતા. ઇન્ડિયન ટીમના દરેક ક્રિકેટરે અંગદાન માટે લોકોને અપીલ કરી હતી.
મેચમાં ઉપસ્થિત લોકોને અંગદાન માટે જાગ્રત કરાયા
બીસીસીઆઈ અને આઈસીસી દ્વારા શરૂ કરાયેલા અંગદાન જાગૃતિના અભિયાનને અમદાવાદની કે.ડી હોસ્પિટલ દ્વારા પૂર્ણ રીતે સહયોગ કરવામા આવ્યો હતો અને આ અભિયાન અંતર્ગત આજે ભારત-ઈંગ્લેન્ડની મેચમાં ઉપસ્થિત લોકોએ અંગદાન કરવાના શપથ લીધા હતા.આ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકોએ અંગદાન કરવાના શપથ લીધા હતા.

આ ઝુંબેશને કે. ડી. હોસ્પિટલે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવવાની સાથે અંગદાન પ્રોત્સાહન માટેની પહેલને સમર્થન આપ્યું છે. કે.ડી. હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે, ભારતમાં અંગદાતાની ભારે અછત છે ત્યારે ICCના અધ્યક્ષ જય શાહ દ્વારા ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઓર્ગન ડોનેશન ડ્રાઈવનો સરાહનીય પ્રયાસ કરાયો છે.
આ ઓર્ગન ડોનેશન ડ્રાઈવને આઈસીસીના અધ્યક્ષ જય શાહ દ્વારા સોશિયલ મીડિયા પ૨ ભારતીય ક્રિકેટરોને દર્શાવતા વીડિયો દ્વારા સમર્થન આપતાં વીડિયો દ્વારા પ્રસારિત કરાયું હતું. ઓર્ગન ડોનેશનની આ પહેલથી એક દિવસમાં 30 હજાર લોકોએ અંગદાન માટે રજિસ્ટ્રેશન કરાવતાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.