૭ મહિનામાં ૧.૪૯ લાખ લોકોને રૂા.૨.૬૩ કરોડનો ટ્રાફિક દંડ
દંડ ભલે થાય પણ સુધરવું નથી…!
૧૧૦ સરકારી વાહનોને ઈ-મેમો ફટકારાયા, ભરપાઈ કેટલા થયા તેનો ખુલાસો નહીં !
પોલીસ કમિશનર કચેરીમાં નિયમોનો ભંગ કરનારા ૬૩૬ને ઘરબેઠા અપાયું ચલણ
રાજકોટમાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હોવાથી પોલીસ દ્વારા લાલ આંખ કરીને અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ ટ્રાફિક ડ્રાઈવ યોજીને અનેક લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આટલી કાર્યવાહી છતાં હજુ સુધી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં અપેક્ષા પ્રમાણે સુધારો થયો હોય તેવું લાગી રહ્યું નથી. બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા ૭ મહિનામાં ૧.૪૯ લાખ લોકોને અધધ ૨.૬૩ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગત આરટીઆઈ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મળવા પામી છે.
પોલીસ કમિશનર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા અપાયેલી વિગત પ્રમાણે ૨૦૨૩-૨૪માં સીસીટીવી કેમેરા દ્વારા ફટકારાયેલા ઈ-મેમો પેટે સરકારી તીજોરીમાં ૧,૪૫,૮૨,૩૫૦ રૂપિયાનો દંડ જમા થયો છે. આ જ રીતે ડિસેમ્બર-૨૦૨૩થી જૂન-૨૦૨૪ સુધીમાં સીસીટીવી કેમેરા મારફતે ૧,૪૯,૦૯૨ લોકોને ઈ-મેમો અપાયા છે જેના દંડની રકમ ૨,૬૩,૩૫,૬૪૯ જેટલી થવા જાય છે. જો કે આ રકમમાંથી કેટલી રકમ ભરપાઈ કરવામાં આવી તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
જ્યારે જાન્યુઆરી-૨૦૨૪થી ૨૯ જૂન-૨૦૨૪ સુધીમાં સીસીટીવી કેમેરા દ્વારા ૧૧૦ સરકારી વાહનોને નિયમભંગ બદલ ઈ-મેમો અપાયા છે. અહીં પણ ૧૧૦માંથી કેટલા સરકારી વાહનોનો દંડ ભરાયો તેની ચોખવટ કરવાનું ટાળવામાં આવ્યું છે.
દરમિયાન પોલીસ કમિશનર કચેરીમાં જાન્યુઆરીથી જૂન-૨૦૨૪ સુધીના સમયમાં નિયમ વિરુદ્ધ વાહન ચલાવતા ચાલકોને ૬૩૬ ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવ્યા છે.
ગરમી પૂરી, બપોરે ૧થી ૪ સિગ્નલ શરૂ
ઉનાળો અત્યંત આકરો બની જવાને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા બપોરે ૧થી ૪ દરમિયાન દરેક ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે રાજકોટમાં હજુ ચોમાસું બરાબર જામ્યું નથી બપોરે ૧થી ૪ ઉનાળા જેવી જ ગરમી પડી રહી છે આમ છતાં પોલીસ દ્વારા ફરીથી બપોરે ૧થી ૪ દરમિયાન સિગ્નલ શરૂ કરી દેવામાં આવતાં વાહનચાલકોમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે.