માથે સળગતી ઈંઢોણીને હાથમાં મશાલ !! રાજકોટમાં બજરંગ ગરબી મંડળની બાળાઓ દ્વારા સળગતી ઈંઢોણી રાસની પ્રેક્ટિસ
રાજકોટમાં અર્વાચીન રાસની ઝાકમઝોળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત છે. નવરાત્રી શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. લોકો દ્વારા નવરાત્રી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતાજીની આરાધનામાં લીન થવા માટે લોકો આતુર છે. રાજકોટમાં અનેક ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલનો રાસ આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. બજરંગ ગરબી મંડળની બાળાઓ દ્વારા સળગતી ઈંઢોણી રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
માતાજીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી જેમાં બાળાઓ દ્વારા પ્રાચીન ગરબીમાં વિવિધ રાસ રમવામાં આવે છે. અનેક ગરબીમંડળ દ્વારા પ્રેક્ટિસ અગાઉ જ શરૂ કરી દેવામાં આવતી હોય છે ત્યારે બજરંગ ગરબી મંડળ દ્વારા પણ રાસની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. બાળાઓ હાથમાં મશાલ અને અગ્નિને મસ્તક પર ધારણ કરી રાસ રમવા આતુર છે. આ રાસ જોયા બાદ નવદુર્ગા સાક્ષાત્ રમતાં હોવાની અનુભૂતિ થાય છે.
શ્રી બજરંગ ગરબી મંડળે 16 વર્ષ પૂર્ણ કરીને 17માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. આ ગરબીમાં 30 બાળાઓ રમે છે.ગરબી મંડળની બાળાઓ દ્વારા 9 દિવસ અવનવા રાસ રજૂ કરવામાં આવે છે. અહીનો પ્રખ્યાત રાસ છે ‘સળગતી ઈંઢોણી’નો રાસ જે 6 બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. જ્યારે આ બાળાઓ હાથમાં મશાલ અને અગ્નિને મસ્તક પર ધારણ કરે છે ત્યારે સાક્ષાત મા નવદુર્ગા રમી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા હોય તેવું લાગે છે.
બજરંગ ગરબીમંડળની બાળાઓ દ્વારા બીજા અનેક રાસ પણ રજૂ કરવામાં આવે છે જેમાં અંબેમાંની ચુંદડી, ભૂવા રાસ, કાળી રે કલ્યાણી, મંજીરાં રાસ, ચોટીલાના ડુંગરે, સનેડો…વગેરેનો સમાવેશ થાય છે. આ મંડળના મુખ્ય આયોજકો ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા,ધીરજભાઈ સિંધવ, હરેશભાઈ સિયાણી,દેવેન્દ્ર સિંહઝાલા સહિતના જહેમત ઉઠાવે છે.