અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધો.8ના વિધાર્થીએ છરી ઝીંકી ધો.10ના વિધાર્થીની હત્યા: વિફરેલા ટોળાએ સ્ટાફને માર મારી સ્કૂલમાં કરી તોડફોડ
અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં મંગળવારે એક ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં ધો.8માં અભ્યાસ કરતા એક વિધાર્થીએ ધો. 10ના સ્ટુડન્ટને સામાન્ય બાબતે છરી ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાના પગલે રોષે ભરાયેલા ટોળાએ સ્કૂલના સ્ટાફને માર માર્યો હતો અને શાળામાં તોડફોડ કરી હતી.
સામાન્ય બાબતમાં એક વિધાર્થીની લોથ ઢળી
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને ભોગ બનનાર વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
ધક્કામુકી બાદ જ્યારે પણ બંને વિધાર્થીઓ સામે આવતા ત્યારે તિખારા ઝરતા
સીડી ઉતરવા સમયે ધક્કામુકી થતા જ્યારે પણ આરોપી વિધાર્થી અને ભોગ બનનાર વિધાર્થી સામે આવતા ત્યારે માથાકૂટ કરતા હતા. તે દરમિયાન મંગળવારે જ્યારે ભોગ બનનાર વિધાર્થી સ્કૂલેતી છૂટ્યો ત્યારે બહાર ઊભેલા ધો.8ના વિધાર્થીએ જુની અદાવતનો ખાર રાખી ઝઘડો કર્યો હતો અને પોતાની પાસે છુપાયેલી છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી તુરંત ધો. ૧૦નો વિધાર્થી પેટ પર હાથ રાખી સ્કૂલ કમ્પાઉન્ડમાં આવ્યો હતો.
ઘટનાના આગલે રોષે ભરાયેલા ટોળાએ ધમાલ મચાવી
સેવન્થ ડે સ્કૂલમાં એક વિધાર્થીએ અન્ય વિધાર્થીને છરી મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં રોષે ભરાયેલું ટોળુ શાળાએ ધસી આવ્યું હતું. જ્યાં તેઓએ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફને માર માર્યો હતો તેમજ શાળાના પ્રાંગણમાં અને પાર્કિગમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં પરંતુ ઘટનાના પગલે દોડી આવેલા પોલીસ સ્ટાફની હાજરીમાં પણ ટોળાએ ધમાલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે
સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા DEOનો આદેશ
વિધાર્થીની હત્યાના જેવા ગંભીર મામલે હવે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી પણ સામેલ થયા છે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
પોલીસે આ ગંભીર ઘટનાના પગલે ગુનો દાખલ કર્યો : CCTV દ્વારા તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ ગંભીર ઘટનાના પગલે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજ ચેક કરી આ વધુ તપાસ હાથ ધરી છે.
