પાવાગઢમાં ભૂસ્ખલન: નીજ મંદિરના રસ્તે ડુંગર પરથી ધસી પડ્યો પથ્થર
પાણીના પ્રવાહ સાથે પથ્થરો ધસી આવ્યા: કોઈ જાનહાની નહી
હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો છે. ઉત્તર-દક્ષિણ, મધ્ય ગુજરાતનાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેવામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના નીજ મંદિર જવાના રસ્તે પાણીના પ્રવાહ સાથે ડુંગર પરથી પથ્થરો પડવાની ઘટના સામે આવી હતી. જો કે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી હતી. જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભૂસ્ખલનના સમાચાર સામે આવ્યા હતા. જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભીનો માહોલ ફેલાયો હતો. નીજ મંદિર પગપાળા જવાના રસ્તે પાટિયા પુલ પાસે પાણીના પ્રવાહ સાથે એક મોટા પથ્થર નાના પથ્થરો ડુંગર પરથી ધસી આવ્યા હતા. જેના કારણે પગથિયાં પર બનાવેલી રેલિંગને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. આ બનાવની જાણ થતાં ટ્રસ્ટના હોદ્દેદારો, અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ સહિતના દોડી આવ્યા હતા.