રાજકોટના ગેમઝોનમાં આગ્નિકાંડની દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર સેફટી અને બિલ્ડીંગ યૂટિલાઇઝેશન સર્ટિફિકેટને લઇ તપાસના ધમધમાટ વચ્ચે ગેરકાયદે બાંધકામોને સીલ કરવા અને તોડી પાડવા સહિતના નિર્દેશો વચ્ચે આગામી ઓગસ્ટ મહિનામા જન્માષ્ટમી પર્વે યોજાતા મેળાઓને લઈને પણ સરકાર ગંભીર બની હોવાનું અને આવા આયોજન માટે ખાસ એસઓપી ઘડવાની તૈયારીઓ ચાલુ હોવાના સંકેત મળી રહ્યા છે, બીજી તરફ રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તમામ ખાનગી વેકેશન મેળાઓને પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે.
ગેમઝોન દુર્ઘટનાને પગલે હવે સરકાર જ્યાં-જ્યાં મોટાપ્રમાણમાં ભીડ ઉમટતી હોય તેવા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થામાં કચાસ રાખવા ન માંગતી હોય તેવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે, ખાસ કરીને હોસ્પિટલ, મોલ, શાળા, હોટેલ, વગેરે માટે ફાયર એનઓસી અને બિયું પરમિશનને લઈ હાલમાં કડક ચેકીંગ શરૂ કરાવવામાં આવ્યા બાદ હવે લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ માટે ખાસ એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટીંન્ગ પ્રોસિઝર ઘડવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વધુમાં લોકમેળા તેમજ ખાનગી મેળાના આયોજનમાં એન્ટ્રી એક્ઝિટ માટે અલાયદી અને વિશાળ વ્યવસ્થા તેમજ ખાનગી મેળાઓમાં સ્ટોલ ધારકોના ફાયદા માટે કરવામાં આવતા બેરિકેટિંગ દૂર કરવા અગ્નિશમનના સાધનો રાખવા, યાંત્રિક રાઇડ્સ માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટ તેમજ ઇલકેટ્રીક સર્ટિફિકેટ સહિતના નિયમોની કડક અમલવારી કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને હાલતુર્ત આવા મેળાઓના આયોજનને સદંતર પણે બંધ કરાવવા કડક આદેશ આપ્યાનું પણ જાણવા મળે છે.