જનનીની જોડ સખી નહી જડે રે લોલ! રાજકોટની માતાએ પુત્રને કિડની આપી બીજી વાર આપ્યો ‘જન્મ’
જન્મદાતા હૈ તું….જન્મ દેતી હૈં જો,માઁ જીસે જગ કહે…ઉસ વિધાતા કી પહેચાન હૈ…આ શબ્દો છે રાજકોટનાં ગોપાલનાં.જેને માતા માધુરીબેનએ પોતાની કિડની આપી નવો જન્મ આપ્યો છે.હાલમાં ગોપાલ સારડા સી.એ.ફાઇનલની નવી ઉર્જા સાથે તૈયારીઓ કરી રહ્યો છે.ભક્તિનગર વિસ્તારમાં રહેતા હિરેનભાઈ સારડાનાં બે પુત્રો ગોપાલ અને વેદાંત,4 સભ્યોનો પરિવાર પોતાની મસ્તીમાં જીવી રહ્યા હતા.

ખબર નહિ જાણે કે સમયનું ચક્ર ફર્યું ને અચાનક હર્યા ભર્યા આ માળામાં ઉપાધિ આવી ગઈ,એક વર્ષ અગાઉ સી.એ. ફાઇનલ પરીક્ષા માટેની તૈયારી કરી રહેલા ગોપાલને ઉલટી અને ડાયેરિયા થતાં ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો ત્યારે તેમને નિદાન કર્યું કે ઉનાળામાં ગરમી વધારે હોવાના લીધે કદાચ લૂ લાગી ગઈ હશે.એ સમયે ગોપાલ આર્ટીકલશિપમાં ઓડિટ માટે ગયો હતો.આથી બધાને એમ કે ગરમીનાં કારણે ગોપાલ બીમાર પડી ગયો હશે…!!
દવા કામ ન કરીને અને ફરીથી ગોપાલને તબિયત લથડતાં મેડિકલ રિપોર્ટ કરાવ્યા જેમાં ડૉક્ટરએ કહ્યું કે,તમારા દીકરાની બંને કિડની ફેઈલ થઈ ગઈ છે,તાત્કાલિક ડાયાલિસિસ પર લેવો પડશે. આ સમયે મમ્મી પપ્પાના પગ નીચેથી જમીન ખસકી ગઈ.. કારણ કે ક્યારેય પણ ગોપાલ બીમાર પડ્યો ન હતો અને અચાનક બંને કિડની ફેલ થતા સૌથી મોટું ટેન્શન એ આવી ગયું કે ગોપાલને કેવી રીતે કિડની મળશે …?ક્યારે મળશે કેવી રીતે તેને જીવન આપી શકાશે..?

આ બધા વિચારોના જવાબ મળે તે પહેલા જ ગોપાલ ની સવાણી કિડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો અને જ્યાં તેનું ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું.. જ્યાં ડોક્ટર ડેનિસ સાવલિયાની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી,ત્યારબાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની ચેલેન્જ શરૂ થઈ.આ વિશે હિરેનભાઈ કહે છે કે,આ ખરાબ સમય વચ્ચે એક આશાનું કિરણ મળ્યું કે,જેમાં અમે બંને હું અને મારા પત્નીનું બ્લડ ગ્રૂપ બી પોઝિટિવ હતું,જે ગોપાલનું બ્લડગ્રૂપ હતું.આથી અમે બંનેએ કિડની આપવા તૈયાર થઈ ગયા.
આ પણ વાંચો : રાઇડ્સ સંચાલકોને દુખે છે પેટ અને કૂટે છે માથું : કહેવાતા રાઇડ્સ સંચાલકો પાસે પોતાની રાઇડ્સ જ નથી
જ્યારે બધા રિપોર્ટ કર્યા પછી મારા પત્ની માધુરી સાથે ગોપાલના રિપોર્ટ વધુ મેચિંગ થતાં દીકરાને હું નવું જીવન આપી શકું એનાથી વિશેષ શું ખુશી હોય શકે..!! આ વાત કહીને દીકરા માટે માધુરીની કિડની ગોપાલને આપવાની મેડિકલ પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પરિસ્થિતિમાં સૌથી વધારે હિંમત રાખી હોય તો ગોપાલએ… અચાનક તેની સામે જીવન સામે જંગ લડવાની હતી તો બીજી તરફ કારકિર્દી વચ્ચે અલ્પવિરામ આવી ગયો હતો.
ડો.ડેનિસ સાવલિયા,ડો.દિવ્યેશ વિરોજા,ડો.પંકજ ઢોલરીયા સહિતની ટીમ દ્વારા ગત 17 નવેમ્બર 2024 ના રોજ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સર્જરી કરાઈ ને ત્યારબાદ 6 મહિના સુધી ગોપાલને આઇસોલેટ કરવામાં આવેલ,તાજેતરમાં તેના રિપોર્ટ કરાયાં ને હવે એકદમ નોર્મલ અને સ્વસ્થ થઈ જતાં મમ્મીનાં વરદાનથી ફરીથી તેની લાઈફની નવી ઇનિંગ શરૂ કરી છે.જ્યારે એક જનની બીજી વાર એ જ બાળક માટે જનેતા બની છે આ મમતાથી વિશેષ માધુરીબેન માટે શું ખુશી હોય શકે…
આ પણ વાંચો : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી : 16 જૂને વરસાદનું આગમન, રાજકોટ માટે યલો એલર્ટ
.માતા-પુત્ર માટે 6 મહિનાની “જુદાઈ” ખૂબ કપરો સમય રહ્યો
કોપીરાઈટના કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં હિરેનભાઈ “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં ખાસ પરિવારજનો અને મિત્રોનો આભાર વ્યક્ત કરતા કહે છે કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ તેઓએ આર્થિક સહયોગ આપ્યો, ગોપાલને કિડની મળી ગયા બાદ તેની કાળજી રાખવાની હતી. મારું ઘર નાનું હોવાથી અમારા ઘર પાસે જ એક ફ્લેટ ભાડે રાખ્યો જ્યાં ગોપાલ આઇસોલેટ થયો, આ ઘડીએ માતા-પિતાને મળી શકતી ન હતી,જેથી એનો જીવ ખૂબ જ બળતો, ધીમે ધીમે ગોપાલ ને સારું થઈ ગયું ત્યારબાદ મમ્મી અને દીકરો બહારથી એક બીજાની તબિયત પૂછતાં,આ 6 મહિના અમારા માટે ખૂબ અઘરા હતા.