રાજકોટમાં પાવર ઓફ એટર્નીમાં ઓછી સ્ટેમ્પ ડયુટી વાપરવા બદલ ફટકારાયો લાખો રૂપિયાનો દંડ
કુલમુખત્યાર નામામાં પણ થાય છે સ્ટેમ્પ ડયુટીની ચોરી
સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા બે કિસ્સામાં દંડ ફટકારાયો
રાજકોટ : રિયલ એસ્ટેટ નગરી રાજકોટમાં અનેક એવા પ્લોટ, મકાન, ફ્લેટ, ઓફિસ, દુકાન, વાડી અને ખેતરના વેચાણ દસ્તાવેજ મૂળ માલિકને બદલે પાવર ઓફ એટર્ની દ્વારા કરવામાં આવેલા છે. ઘણા લોકો જમીન કે મકાન લેતી વખતે સ્ટેમ્પ ડયુટીના પૈસા બચાવવા માટે તેમજ રજિસ્ટ્રેશન ફી બચાવવા માટે ડોક્યુમેન્ટ રજિસ્ટ્રી નથી કરતા અને બદલામાં તે તેના નામે પાવર ઓફ એટર્ની કરાવી લઈ બાદમાં વેચાણ આપતા હોય છે. જો કે, સ્ટેમ્પ ડયુટી અધિનિયમ મુજબ આવા પાવર ઓફ એટર્ની સ્ટેમ્પ ડયુટીને પાત્ર હોય સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા આવા બે કિસ્સામાં પાવર ઓફ એટર્નીને ઓછી સ્ટેમ્પ ડયુટી વાપરવા મામલે દંડ ફટકાર્યો છે. મહત્વની બાબત એ છે કે, બન્ને કેસમાં અરજદારોએ આવો દંડ સહર્ષ સ્વીકારી પણ લીધો છે.
સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફી બચાવવાના ચક્કરમાં પાવર ઓફ એટર્ની કરાવી બાદમાં મિલ્કતોનું વેચાણ કરતા લોકો માટે ચેતવણી રૂપ બે કેસ સામે આવ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેરમાં આવેલ ચંદ્રપાર્ક કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી અને સિલ્વર પાર્ક કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં પાવર ઓફ એટર્નીના આધારે થયેલા વેચાણ દસ્તાવેજના બે કિસ્સામાં પાવર ઓફ એટર્ની ધરાવનાર બે અસામીઓને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે.
જેમાં ચંદ્રપાર્કના કિસ્સામાં વર્ષ 1998માં 80 ચોરસ મીટરનો પ્લોટ વેચાણ માટે 65 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કુલમુખત્યાર નામું કરી બાદમાં વેચાણ કરવામાં આવ્યું હોય સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની જોગવાઈ મુજબ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂપિયા 23,935 તેમજ દંડ રૂપિયા 23,935 મળી કુલ રૂપિયા 47,870 વસૂલવા હુકમ કરાયો હતો.
આ ઉપરાંત અન્ય એક કિસ્સામાં રાજકોટની સિલ્વરપાર્ક કો-ઓપરેટીવ સોસાયટીમાં 117 ચોરસમીટરના પ્લોટના વેચાણના કિસ્સામાં પણ વર્ષ 1999માં ફક્ત રૂપિયા 70 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આપવામાં આવેલ કુલ મુખત્યાર નામના આધારે વેચાણ થયું હોવાનું સામે આવતા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા ગુજરાત રાજ્ય સ્ટેમ્પ અધિનિયમ મુજબ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂપે રૂ..1,80,278 તેમજ દંડ રૂપિયા 1,80,278 મળી કુલ રૂપિયા 3,60,556 વસુલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.