- દુકાન પાસે કાર પાર્ક કરવા અને ગ્રાહકોને બહાર બેસાડવા મુદે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો : બંનેને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા : સામસામે ફરિયાદ નોંધતી પ્ર.નગર પોલીસ
- રાજમંત્રના સંચાલક અભિષેકે અગાઉ પણ કાર અથડાવા મુદે પરિવાર સાથે ઝગડો કર્યો હતો
રાજકોટમાં ગઇકાલે યાજ્ઞિક રોડ ઉપર આવેલી પ્રતિષ્ઠિત નાઈસ એન્ડ ન્યુ કપડાંના શો-રૂમ અને રાજમંત્ર કોલ્ડ્રીંક્સના માલિકો વચ્ચે કાર પાર્ક કરવા અને ગ્રાહકોને બહાર બેસાડવા મુદે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. અને છરીઓ ઊડી હતી. જેમાં બંનેને માલિકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ મામલે પ્ર.નગર પોલીસ દ્વારા સામ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરી છે.
વિગત મુજબ યાજ્ઞિક રોડ પર નાઇસ એન્ડ ન્યુ નામની કપડાની દુકાન ધરાવતા કલ્પેશભાઈ ઉકાણી (ઉ.વ.૪૫) નામના વેપારી શો-રૂમ પાસે પાર્ક કરેલી પોતાની કાર લઇને નીકળવા જતા હતા.ત્યારે બાજુમાં જ આવેલી રાજમંત્ર કોલ્ડ્રીંક્સ નામની દુકાન બહાર ખુરશીઓ રાખેલી હતી.અને તે ખુરશીઓ લેવાનું કહેતા રાજમંત્રના સંચાલક ચંદુભાઈ ઠુંમર અને તેનો પુત્ર અભિષેક ઠુંમર બંને દુકાન બહાર આવ્યા હતા. અને કલ્પેશભાઈ સાથે બોલાચાલી કરી હતી. તેમજ અભિષેકે લાકડી વડે હુમલો કરતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેમ કલ્પેશભાઈ સાથે રહેલા તેમના મિત્રએ છરી વડે ચંદુભાઈ પર હુમલો કરતાં તેમણે છરીનો એક ઘા લાગી ગયો હતો.
તેમજ કલ્પેશભાઈ પણ હુમલામાં ઘવાયા હતા. ઘટનાની જાણ પ્ર.નગર પોલીસને થતાં પીસીઆર વાન દોડી આવી હતી.અને 108 ને જાણ કરી બંને ઘવાયેલા વેપારીઓને સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડયા હતા.રાજમંત્ર કોલ્ડ્રીંક્સના સંચાલકને બહાર ખુરશીઓ રાખવી હોય અને કપડાના વેપારીને કાર પાર્ક કરવી હોય આ બાબતે બંને વચ્ચે ઘણા સમયથી નાની મોટી રકઝક ચાલતી હતી. જ્યારે ગઇકાલે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલ આ મામલે પ્ર.નગરના પીઆઇ બી.એમ.ઝણકાત અને પીએસઆઈ બેલીમ દ્વારા બંને પક્ષોની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.
ઉલ્લેખનીય છે,કે રાજમંત્ર કોલ્ડ્રીંક્સ અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યું છે.તેના સંચાલક અભિષેક ઠુંમર દ્વારા અગાઉ તેમણે ત્યાં આવેલા ગ્રાહકની કાર સાથે પોતાની કાર અથડાવી ઝગડો કર્યો હતો. અને પરિવાર પર હુમલો પણ કર્યો હતો.જે મામલે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વાર તે ચર્ચામાં આવ્યું છે.