૪૮ કલાક ચૂંટણી ફરજ બજાવ્યા બાદ ઘેર જઈ રહેલા કોન્સ્ટેબલને ૩ વર્ષની બાળકી રડતી મળી’ને…
થાક ભૂલી બાળકીના માતા-પિતા શોધો' ઓપરેશન શરૂ કર્યું: બાળકીને જરાં પણ અજાણ્યું ન લાગે એટલે દીકરી જેવો પ્રેમ આપ્યો, પોલીસ વાનમાં ફેરવી, જમાડી
પોલીસ પ્રજાનો મીત્ર’ આ સૂત્ર લખેલું બોર્ડ લગભગ દરેક પોલીસ મથકમાં લાગેલું જ હોય છે. જો કે અમુક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ એવા હોય છે જે આ સૂત્રને સાર્થક કરવા માટે દિવસ-રાત જોયા વગર કામ કરતા હોય છે. આવા જ એક હેડ કોન્સ્ટેબલ કે જેઓ સળંગ ૪૮ કલાક સુધી ચૂંટણીની ફરજ બજાવ્યા બાદ થાક્યા-પાક્યા પોતાના ઘેર જઈ રહ્યા હતા બરાબર ત્યારે જ રસ્તા પર તેને ત્રણ વર્ષની બાળકી રડતી મળી હતી જે જોઈને તેઓ પોતાનો થાક ભૂલી ગયા હતા અને ઘેર જવાને બદલે `બાળકીના માતા-પિતા શોધો’ ઓપરેશન શરૂ કર્યું હતું. બાળકીને જરા પણ અજાણ્યું ન લાગે કે ડર ન પેસી જાય તે માટે તમામ પોલીસ સ્ટાફે તેને દીકરી જેવો પ્રેમ આપ્યો, રમાડી-જમાડી, પોલીસ વાનમાં ફેરવી માનવતાનું નોંધવું પડે તેવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ કિસ્સો અમદાવાદના ઈસનપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામદાન ગઢવી સાથે બન્યો હતો. તેઓ પોતાની ૪૮ કલાકની ફરજ પૂરી નવેક વાગ્યા આસપાસ ઘેર જઈ રહ્યા હતા ત્યારે મણિનગર ભૈરવનાથ મનોકામેશ્વર મહાદેવ મંદિર નજીક ત્રણ વર્ષની બાળકી રડી રહી હતી. આ પછી ઘનશ્યામદાને પોતાની ફરજના કલાકો નહીં બલ્કે પોલીસ તરીકેની સમાજ પ્રત્યેની પોતાની ફરજને મહત્ત્વ આપ્યું હતું ઘેર જવાને બદલે બાળકીને ઈસનપુર પોલીસ મથકે લાવી પીઆઈ બી.એસ.જાડેજા સહિતના સ્ટાફને જાણ કરી હતી. પોલીસે બાળકીનું સરનામું જાણવા પ્રયત્ન કર્યો પરંતુ તે કશું જણાવતી ન હોય પોલીસ માટે પણ એક કોયડો બની ગયો હતો.
ત્યારબાદ ડીસીપી રવિ મોહન સૈની તેમજ જે-ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફે બાળકીના માતા-પિતાને શોધવા માટે જહેમત ઉઠાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે વોટસએપ ગ્રુપમાં મેસેજ કર્યા, પોલીસ સ્ટેશન નજીકના રહીશોની મદદ મેળવી, બાળકીને પોતાની દીકરી માફક રાખી, આજુબાજુના વિસ્તારમાં ફર્યા, મસ્જિદોમાં બાળકી ગુમ થયાનું એલાન કરાવ્યું. અંતે પોલીસને સફળતા મળી હોય તેમ ઈસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહારના મજૂર વર્ગના પરિવારની બાળકી હોવાનું ધ્યાન પર આવ્યું અને પોલીસે સમયસર બાળકીને તેના માતા-પિતાને સોંપી હતી. આ વેળાએ બાળકીના માતા-પિતા સંતાનને જોઈને રીતસરના રડી પડ્યા હતા અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.