શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ૭૦ ટકા જેટલું મતદાન : આજે મતગણતરી
સરકારી શિક્ષકમાં ૩૬૯૬ મતદારોએ જયારે સંચાલક મંડળમાં ૪૪૩૯ મતદારોએ મતદાન કર્યું
રાજકોટ : ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સરકારી શિક્ષક અને સંચાલક મંડળની કુલ બે બેઠકો માટે ૭૦ ટકા જેટલું મતદાન થયા બાદ આજે ગાંધીનગરના રૂપાલ ખાતે આવેલ વરદાયિની હાઈસ્કૂલમાં મતગણતરી કરવામાં આવનાર હોય શિક્ષણ જગતમાં ભારે ઉતેજના છવાઈ છે, નોંધનીય છે કે, છેલ્લી પાંચ ટર્મથી સંચાલક મંડળમાં એકચક્રી શાસન કરનાર પ્રિયવદન કોરાટ સામે આ વખતે બબ્બે મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હોય આ ચૂંટણીજંગ વિધાનસભા અને લોકસભા જેવો હાઈવોલ્ટેજ બન્યો હતો.
રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મંગળવારના રોજ રાજ્યના ૫૮ મતદાન મથકો ઉપર સરકારી શિક્ષક અને સંચાલક મંડળની ૨ બેઠકોની ચૂંટણી સમગ્ર રાજ્ય કક્ષાએ યોજાઈ હતી, જેમાં સરકારી શિક્ષકમાં ૪૬૭૭ પૈકી ૩૬૯૬ મતદારોએ જયારે સંચાલક મંડળમાં ૬૩૧૦ પૈકી ૪૪૩૭ મતદારોએ મતદાન કરતા ૭૦ જેટલું મતદાન થયું હતું. આ બે બેઠકો પૈકી મહત્વની ગણાતી સંચાલક મંડળની બેઠક ઉપર તીવ્ર સ્પર્ધા અને ખરાખરીનો જંગ જોવા મળેલ હતો, ઉલ્લેખનીય છે કે પાંચ ટર્મથી ચૂંટાતા સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટ છઠ્ઠી વખત સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યાં હતા. જયારે તેમની સામે મર્જ થયેલ મહામંડળના અમદાવાદના જે. વી. પટેલ અને સ્વનિર્ભરના રાજકોટના ઉમેદવાર સહિત ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાઈ હતી.
શિક્ષણબોર્ડની ચૂંટણીમાં પણ પરાકાષ્ઠાનો ચૂંટણી પ્રચાર અને અસ્તિત્વની લડાઈ હતી જયારે સરકારી શિક્ષકમાં ચેતનાબેન ભગોરા – અમદાવાદ, દિવ્યરાજસિંહ જાડેજા કચ્છ, વિજયભાઈ ખટાણા ભાવનગર વચ્ચે પણ શિક્ષકના અસ્તિત્વનો જંગ ખેલાયો હતો, આ બંન્ને બેઠકોની મતગણતરી આજે તારીખ ૨૬ને ગુરૂવારના રોજ સવારે ૮-૦૦ કલાકથી વરદાયિની હાઈસ્કૂલ રૂપાલ,ગાંધીનગર ખાતે કરવામાં આવનાર હોય સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતની નજર મંડાઈ છે.