6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
“જ્યાં બેગ નહિ ત્યાં વિચારનો વહેણ શરૂ થશે,શાળાઓ હવે માત્ર ભણવાનું નહિ,પણ જીવવાનું શીખવશે…” હવેથી બાળકો કાગડોળે શનિવારની રાહ જોશે.સરકારે ભાર વિનાનાં ભણતર તરફ એક પગલું ભરી “બેગલેસ મિશન” શરૂ કરતાં રાજકોટનાં અઢી લાખ સહિત રાજયના 55 લાખ વિદ્યાર્થીઓને અઠવાડિયાનાં 36 ક્લાકમાંથી 6 કલાક આ ભૂલકાઓને પોતાની મનગમતી એક્ટિવિટી કરવા મળશે.

ગુજરાત શિક્ષણ વિભાગનાં આ નિર્ણયને શાળાઓ,સ્કૂલો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ એક સુર સાથે આવકારેલ છે.પ્રી-પ્રાઈમરીથી લઈ ધો.8 સુધીનાં બાળકોને દર શનિવારે “બેગલેસ” મિશન અંતર્ગત બેગ વિના જ સ્કૂલે જવાનું રહેશે,આ દિવસ બાળકો અને શિક્ષકો બંને માટે રોચક અને આનંદિત રહેશે.આ શનિવારથી બેગલેસ મિશન શરૂ થઈ જશે.જે અંતર્ગત માસ ડ્રિલ, યોગા,બાલસભા, શૈક્ષણિક રમતો,પ્રોજેકટ, ડ્રોઈંગ,મ્યુઝિક અને હેરિટેજ સ્થળ,સરકારી કચેરીઓ, ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેવા દરેક સ્કૂલોને ડી.ઇ.ઓ.દ્વારા પરિપત્ર કરેલ છે.

સ્કૂલ માત્ર ભણતરનું સ્થળ જ નહીં સર્વાંગી વિકાસ માટેનું સેન્ટર બનશે: શિક્ષકોનો અભિપ્રાય
આ મિશનથી સ્કૂલો માત્ર ભણતરનું સ્થળ નહિ રહે પણ સર્વાંગી વિકાસ માટેનું સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર પણ બનશે, અત્યારે અભ્યાસની સાથે સાથે પ્રેક્ટીકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે,બાળકોને કસોટી વગર પણ ઘણું બધું શીખવાડી શકાય છે, બેગલેસ શનિવારથી બાળકોમાં લીડરશીપ, ટીમ વર્ક અને કોન્ફિડન્સ ડેવલપ થાય છે તેમ શિક્ષકોએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું.

ફન એન્ડ લર્નિંગ કરીશું: સ્ટુડન્ટસ
હવે શનિવારે અમે ફન એન્ડ લર્નિંગ કરીશું,શનિવારે બુક્સથી ભરેલી ભારેખમ બેગ અમારે લઈને જવી નહિ પડે….તેમ જણાવતાં મંત્ર શેઠએ જણાવ્યું કે,સન્ડેની સાથે સેટરડે અમારો ફેવરિટ ડે રહેશે.વેન્સી મારૂએ કહ્યું હતું કે,અમને ભણવું ગમે છે પણ એક દિવસ અમારી ફેવરિટ એક્ટિવિટી કરવા મળશે,ડ્રોઈંગ,પેઇન્ટિંગ,ગેઇમ્સ જેવી એક્ટિવિટીનો આનંદ માણીશું.
આ પણ વાંચો : અમદાવાદની શાળામાં શિક્ષક પર થયેલા હુમલાના રાજકોટમાં પડઘા, સુરક્ષા અંગે SOP બનાવવાની માગ સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ
આઉટડોર એક્ટિવિટી માટે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવી જરૂરી
શિક્ષણવિદોનાં મત અનુસાર રાજકોટમાં અનેક સ્કૂલો પાસે ગ્રાઉન્ડ સહિતની પૂરતી સુવિધા નથી,જો સરકાર વિદ્યાર્થીઓ માટે આઉટડોર એક્ટિવિટીને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે તો અભ્યાસની સાથે ઘણી બધી એક્ટિવિટી કરાવી શકાય અથવા કોર્પોરેશન હસ્તકનાં ગ્રાઉન્ડ વાપરવાની છૂટ આપે તો દર શનિવારે એક સાથે હજારો વિદ્યાર્થીઓ માટે કોઈ સ્પોટર્સ ઇવેન્ટનું આયોજન કરી શકાય.
આ પણ વાંચો : આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન
GCERT એક મોડ્યુઅલ બનાવાશે,શાળાદીઠ એક શિક્ષકને ટ્રેનિંગ
બેગલેસ દિવસ નિમિત્તે અલગ અલગ એક્ટિવિટી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે, જોકે હજુ આ બાબતે એક મોડ્યુઅલ તૈયાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં સ્કૂલ દીઠ એક શિક્ષકને તાલીમ આપવામાં આવશે તેવું ડી.ઇ.ઓ. દીક્ષિત પટેલએ જણાવ્યું હતું.