રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના આણંદ જીલ્લામાં સામે આવી છે જેમાં ટ્રકે ઊભેલી બસને ટક્કર મારતા 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને અન્ય 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના આજે વહેલી સવારે બની હતી જ્યાં લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે 4.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને આણંદની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસ પંચર થઈને ઊભી હતી, પછી ટ્રકે તેને ટક્કર મારી
જ્યારે આ અકસ્માત થયો ત્યારે લક્ઝરી બસ પંચર થઈ ગઈ હતી અને હાઈવેની બાજુમાં ઉભી હતી. પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારતાં ડ્રાઇવર, ક્લીનર અને મુસાફરો બસની નીચે ઊભા હતા. આ ભયાનક અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
હાઈવે પર અકસ્માતના સમાચાર મળતાની સાથે જ આણંદ ફાયર બ્રિગેડ, એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મુસાફરોને બચાવીને હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઇ તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે.