ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં 56 હજાર લિટર દારૂ વેચાયો, સરકારને 87 લાખની આવક
ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં જ્યારે કોઈ અનોખી છૂટછાટ આપવામાં આવે, ત્યારે તેના આંકડા હંમેશાં આશ્ચર્ય પમાડતા હોય છે. ગાંધીનગરના હાઇ-ટેક ગિફ્ટ સિટીમાં વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવેલી ‘વાઇન એન્ડ ડાઇન’ સુવિધા બાદ દારૂના વેચાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર એક જ વર્ષમાં વેચાણનો આંકડો પંદર ગણો વધી જતાં સરકારી તિજોરીમાં પણ લાખો રૂપિયાની આવક થઈ છે.
ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીથી વેચાણમાં વધારો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કર્યા બાદ વિદેશી દારૂનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સત્તાવાર રીતે રજૂ કરેલી માહિતી અનુસાર, ગિફ્ટ સિટીમાં આવેલી કોર્પોરેટ ઑફિસો અને ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઑફિસ સાથે સંકળાયેલા દેશ-વિદેશના લોકો અને ઉદ્યોગપતિઓની અવરજવરને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરાઈ હતી, જેના કારણે વિદેશી દારૂના સેવન અને વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
બે વર્ષમાં ૬૦ હજાર લિટરથી વધુ વિદેશી દારૂનું વેચાણ
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વિગતો આપવામાં આવી હતી. ૩૧ જુલાઈ ૨૦૨૬ની સ્થિતિએ પ્રાપ્ત આંકડા મુજબ, ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એરિયા અંતર્ગત બે વર્ષના સમયગાળામાં કુલ ૬૦ હજાર લિટરથી વધુ વિદેશી દારૂનું વેચાણ નોંધાયું છે, જેનાથી સરકારી તિજોરીને ૮૭.૩૯ લાખ રૂપિયાથી વધુની જંગી આવક પણ થઈ ચૂકી છે.
આ પણ વાંચો: ભારત મંડપમમાં 3 દિવસ મહામંથન, PM મોદીનો ફૂલ શેડ્યૂલ જાહેર
એક જ વર્ષમાં ૧૫ ગણો વધારો: ૫૫ હજાર લિટરને પાર પહોંચ્યો આંકડો
વેચાણના વાર્ષિક આંકડાઓ પર નજર કરીએ તો, ૧ ઓગસ્ટ ૨૦૨૪થી ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીના પ્રથમ એક વર્ષમાં ૩,૭૧૬.૨૮ લિટર વિદેશી દારૂ વેચાયો હતો. જ્યારે તે પછીના વર્ષ એટલે કે ૧ ઓગસ્ટ ૨૦૨૫થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીના સમયગાળામાં આ આંકડો અવિશ્વસનીય રીતે વધીને ૫૫,૬૩૮.૧૯ લિટર વિદેશી દારૂ પર પહોંચી ગયો હતો. આમ, એક જ વર્ષમાં દારૂના વેચાણમાં સીધો ૧૫ ગણો મોટો ઉછાળો નોંધાયો છે.
હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં ઉપલબ્ધ છે સુવિધા
રાજ્ય સરકારે ગિફ્ટ સિટીના વ્યાપ-વિસ્તાર અને વૈશ્વિક સ્તરની સુવિધાઓ પૂરી પાડવા માટે ડિસેમ્બર ૨૦૨૩માં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરી હતી. આ વિશેષ એરિયામાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ તેમજ ક્લબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યાં નક્કી કરેલા નિયમો અને એરિયામાં રહીને કર્મચારીઓ તેમજ બહારથી આવનારા અધિકૃત લોકોને ત્યાં જ બેસીને પીવાની મંજૂરી આપવામાં આવે છે.
ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં થયેલો આ અણધાર્યો વધારો ચર્ચાનો વિષય બન્યો છે. વૈશ્વિક સ્તરના બિઝનેસ હબ તરીકે વિકસી રહેલા આ પ્રોજેક્ટમાં આ સુવિધાના સકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ પર આગામી સમયમાં સૌની નજર રહેશે.
