આજે દશામાતાના દસ દિવસના ઉત્સવ અંતે વિસર્જન હતું. પરંતુ આનંદનો આ દિવસ ગાંધીનગરમાં દુખમાં પરિવર્તન પામ્યો હતો. ગાંધીનગરની સાબરમતી નદીમાં મોટી કરુણાંતિકા સર્જાઈ છે. દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં છે. હાલ પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગરની છે જ્યાં આજે વહેલી સવારે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે સેકટર ૩૦ ખાતે આવેલ સાબરમતી નદીએ ગયા હતા ત્યારે આ દુ:ખદ ઘટના બની હતી. અહીં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ત્રણ લોકોના મૃતદેહ મળ્યા
સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ પધરાવવા માટે એક પરિવાર ગયો હતો. દરમિયાન નદીમાં મૂર્તિ પધરાવવા જતાં બેલેન્સ બગડતા એક વ્યક્તિ પાણીમાં ડૂબતા તેને બચાવવા જતા પાંચ લોકો પાણીમાં ડૂબ્યા હતા.
આ અંગેની જાણ મનપા ફાયર વિભાગ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં શોધખોળ બાદ અજયભાઈ વણજારા (ઉં.વ 30), ભારતીબેન પ્રજાપતિ (ઉં.વ 34), પૂનમબેન પ્રજાપતિ (ઉં.વ 12)ના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ પોલીસની ટીમ દ્વારા મૃતકોના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.