ક્યાં માતાજીના માંડવામાં પ્રસાદી લીધા બાદ 400 લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં વધારો થઈ ત્યારે વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં માતાજીના માંડવામાં પ્રસાદી લીધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ ગઈ હતી તેમ સૌથી વધારે બાળકોમાં અસર જોવા મળી હતી ત્યારે તમામને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોખલાણા ગામની જ્યાં સોમવારના રોજ માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાંજે માંડવામાં પ્રસાદ લીધા બાદ એક સાથે 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે જસદણ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આમાં કેટલાક 5થી 12 વર્ષના બાળકો પણ સામેલ હતા. આ સમાચાર મળતા જ તંત્ર પણ દોડતું થયું હતું. આ ઘટના સામે આવ્યા બાદ 108 તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પછી ફૂડ વિભાગે પ્રસાદમાં બનેલ રસોઈના સેમ્પલ લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી