સૌરાષ્ટ્ર-કચ્છમાં વિજચોરી પકડવા માટે વખતોવખત મેગા ડ્રાઇવ છતાં વિજચોરી અટકતી નથી ત્યારે તાજેતરમાં પીજીવીસીએલ રાજકોટના એમડી દ્વારા યોજવામાં આવેલ સેમિનારમાં આગામી દિવસોમાં વધુ ખોટ વાળા સર્કલોમાં સઘન ચેકીંગ કરી વિજચોરી પર તૂટી પડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલ દ્વારા માર્ચ 2023થી ઓગસ્ટ 2024 દરમિયાન કુલ મળી 321 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને સૌથી વધુ વીજ ચોરી કચ્છના અંજાર સર્કલમાં થતી હોવાના આંકડા સામે આવ્યા છે.
પીજીવીસીએલ દ્વારા વિજીલન્સ કામગીરી સુદ્રઢ બનાવવા તથા ડીવીઝન કામગીરી પણ અસરકારક બનાવીને વીજ લોસ ઘટાડવા માટે એમડી પ્રીતિ શર્મા, મુખ્ય ઈજનેર પી.જે.મહેતા અધિક્ષક ઈજનેર યુ.જી.વસાવા, જે.એ.ગોસાઈ તેમજ જે.બી.ઉપાધ્યાયની હાજરીમાં એક દિવસય સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં ગેરરીતિ કરતા તત્વોને પકડવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી હાઇલોસ ધરાવતા વિસ્તારો-ગામોમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પીજીવીસીએલના તમામ સર્કલમાં થતી વીજ ચોરીના છેલ્લા એક વર્ષ અને 4 મહિનાના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કુલ મળી 16 મહિનામાં 321 કરોડની વીજ ચોરીના કિસ્સા ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
વધુમાં કોમર્શીયલ તથા ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રની વિજચોરી ઝડપવા માટે પણ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો અને ફીડરમાં વીજ લોસ કેવી રીતે ઘટાડવો, ટેકનોલોજીનો ઉપયોગ વધારવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને પ્રેઝન્ટેશન રજુ કરાયું હતું. ચેકીંગ ડ્રાઇવમાં ઉભા થતાં કાનૂની પાસાઓ વિશે પણ કાયદા નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું.