રાજકોટ જિલ્લાના 26 પુલ નબળા : આ 5 બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશબંઘી, કુલ 495 બ્રીજમાંથી 377 સારી ક્વોલિટીના
વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળી જાગેલી ગુજરાત સરકારે રાજ્યભરના તમામ નાના-મોટા પુલની તપાસ શરૂ કરાવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ નેશનલ હાઈવેને જોડતા તમામ 495 પુલની તપાસ બાદ જિલ્લાના 26 પુલ પુઅર કન્ડિશનમાં હોવાનું સામે આવ્યું છે અને તે પૈકી 4 પુલ ભારે વાહનો માટે જોખમી હોવાનું જણાતા ધોરાજી -જામકંડોરણા, જામકંડોરણા -ખારચીયા, ઉપલેટા કોલકી અને સુપેડી-જામ ટીમ્બડી પુલ ઉપરથી ભારે વાહનોને પ્રવેશબંધી માટે તજવીજ શરૂ કરવામાં આવી છે સાથે જ રાજકોટના નવાગામ આણંદપરનો રાજાશાહી સમયનો પુલ ક્રિટિકલ હોવાથી અહીં પણ ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં પુલની સ્થિતિ અંગે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લા કુલ 495 નાના-મોટા પુલ આવેલા છે.સરકારની સુચનાને પગલે રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લાના તમામ પુલોની ચકાસણી કરવામાં આવી હતી સાથે જ ડેપ્યુટી કલેકટર દ્વારા કુલ 59 અલગ અલગ પુલની ચકાસણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના 377 પુલ સારી ક્વોલિટીના હોવાનું અને 91 બ્રિજ ફેઅર હોવાનું જણાવ્યું હતું. સાથે જ જિલ્લામાં 26 પુલની સ્થિતિ પુઅર કન્ડિશન હોવાનું તેમજ એક પુલ ક્રિટિકલ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : લો બોલો! જલેબી, સમોસાં, લાડુ, ભજીયા અને વડાપાંઉ સ્વાસ્થ્ય માટે હાનિકારક : આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં ખુલાસો
દરમિયાન રાજકોટ શહેર નજીક નવાગામ -આણંદપર નજીક આવેલ રાજાશાહી સમયનો પુલ ક્રિટિકલ કન્ડિશનમાં હોવાથી ભારે વાહનો માટે આ પુલ બંધ કરવામાં આવનાર હોવાનું તેમજ ધોરાજી -જામકંડોરણાને જોડતો ભાદર નદીનો પુલ પણ પુઅર કન્ડિશનમાં હોવાથી તમામ વાહનો માટે આ પુલ બંધ કરવામાં આવશે જેથી આ પુલ ઉપરથી પસાર થતા વાહનોને વિકલ્પે ધોરાજી, પેઢલા, કેરાળી, ભાદરા, દૂધીવદર તેમજ અન્ય એક રૂટ ઉપરથી પસાર થવું પડશે જેથી વાહન ચાલકોને 34થી 45 કિલોમીટર ફરવું પડશે. આ ઉપરાંત જામકંડોરણા -ખારચીયા, ઉપલેટા કોલકી અને સુપેડી-જામ ટીમ્બડી વચ્ચે આવેલા અન્ય પુલ ઉપરથી પણ ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવતા જાહેરનામા અમલી બનાવી પ્રવેશબંધી ફરમાવવામાં આવશે.