રાજકોટ રેલવે માટે 2025નું વર્ષ રહ્યું `રેકોર્ડબ્રેક’: એક વર્ષમાં 6 ઓવરબ્રિજ, એક અન્ડરબ્રિજ,નવી ટ્રેન સહિતનો કર્યો ‘વિકાસ’
2025નું વર્ષ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન માટે ‘રેકોર્ડબ્રેક’ વર્ષ રહ્યું હોય તેમ નવી ટ્રેનોનો પ્રારંભ, નવા અન્ડર-ઓવરબ્રિજનું નિર્માણ, માનવરહિત ફાટકની નાબૂદી સહિતના લોકોપયોગી કાર્ય આ વર્ષમાં કરવામાં આવ્યા હતા.
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 2025માં છ રોડ ઓવરબ્રિજ અને એક રોડ અન્ડરબ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 11 માનવરિહત ક્રોસિંગ ફાટક નાબૂદ કરાયા હતા. 70 કિલોમીટર ડબલ્યુ-બીમ ફેન્સીંગ સ્થાપિત કરવામાં આવી જેના કારણે મુસાફરોની સુરક્ષા અને કામગીરીની કાર્યક્ષમતામાં અભૂતપૂર્વ સુધારો થવા પામ્યો હતો. રાજકોટ-હડમતીયા સેક્શન (39 કિલોમીટર, 377 કરોડનો ખર્ચ)નું ડબલિંગ કાર્ય જે રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટનો ભાગછે તે પૂર્ણકરવામાં આવ્યું તો આ પ્રોજેક્ટ અંર્તગત 15 નવા મોટા પુલ અને 74 નવા નાના પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સાથે જ પડધરી, ચણોલ, હડમતીયા, લાખાબાવળ, પીપળી અને કાનાલૂસ સ્ટેશનો ઉપર નવા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા.
મોરબી સ્ટેશન ઉપર કર્મચારીઓની સુવિધા માટે કમ્યુનિટી હોલનું નિર્માણ પણ આ વર્ષે જ કરવામાં આવ્યું હતું તો 20 લેવલ ક્રોસિંગ ગેટ પર રબરાઈઝડ ફ્લોરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. રાજકોટ ડિવિઝને તેના સમગ્ર બ્રોડ ગેજ નેટવર્કનું 100% વીજળીકરણ હાંસલ કર્યું છે. નવી ટ્રેનની વાત કરવામાં આવે તો આ વર્ષે વેરાવળ-સાબરમતિ વંદે ભારત એક્સપ્રેસ અને રાજકોટ-પોરબંદર વચ્ચે બે લોકલ ટ્રેનનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત કામચલાઉ અને કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવામાં આવતાં મુસાફરોને ખૂબ જ સુવિધા મળી હતી.
આ પણ વાંચો :થર્ટી ફર્સ્ટને લઈને રાજકોટ પોલીસ એલર્ટ: પીધેલા, છરી તથા દારૂ સાથે 30થી વધુ શખ્સોને પકડી પાડયા
રાજકોટ ડિવિઝને 170 હેન્ડ હેલ્ડ ટર્મિનલ્સના ઉપયોગ સાથે 100% ડિજિટલ ટિકિટ ચેકિંગ હાંસલ કર્યું હતું. 3 સપ્ટેમ્બર-2025થી મકનસર ફ્રેટ ટર્મિનલથી ક્નટેનર ટ્રેનોનું સંચાલન શરૂ થવાને કારણે મોરબી અને આસપાસના ઉદ્યોગોને નવી રેલ કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર દ્વારકા, ભક્તિનગર, વાંકાનેર અને હાપા સ્ટેશનો તેમજ રેલવે હોસ્પિટલની કેન્ટીનને ઈટ રાઈટ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું હતું. મુસાફરોને તુરંત મદદ મળી રહે તે માટે `રેલમદદ’ નિવારણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રાજકોટ ડિવિઝને 2024-25માં પશ્ચિમ રેલવેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
