ઓમાનથી ગુજરાત સુધી દરિયામાં નખાશે 2,000 કિમી લાંબી પાઇપલાઇન
-રૂ. 40,000 કરોડનો ઐતિહાસિક પ્રોજેક્ટ: સમુદ્રના પેટાળમાં 3,000 મીટરની ઊંડાઈએ બનશે ભારતનો નવો ‘એનર્જી કોરિડોર’
ઈરાન-અમેરિકાના યુદ્ધ દરમિયાન હોર્મુઝની ખાડી ઉપર અડધા ઉપરના વિશ્વએ નિર્ભર રહેવું પડ્યુ હતુ.ભારતને પણ તેની અસર પહોંચી હતી પરંતુ આ નિર્ભરતા દુર કરવા માટે કેન્દ્ર સરકારે ઓમાનથી ગુજરાત સુધી ગેસ પાઈપલાઈન નાખવાનો નિર્ણય લીધો છે. સરકારે ઓમાનથી ગુજરાત વચ્ચે અરબી સમુદ્રમાં આશરે બે હજાર કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટની જાહેરાત કરી છે.
છેલ્લા ત્રણ દાયકાથી આ પ્રોજેક્ટ પર વિચારણા ચાલી રહી હતી, પરંતુ ઊંચી કિંમત અને ટેકનિકલ અડચણોને કારણે તે અટકેલો હતો. હવે ખાનગી જૂથ ‘SAGE’ દ્વારા સમુદ્રના પેટાળનો સર્વે તેમ જ ટેકનિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ કરવામાં આવતા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને નવી ગતિ મળી છે.
આ અત્યાધુનિક ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 40,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પાઈપલાઈનની વિશેષતા તેની ભયંકર ઊંડાઈ છે. તેનો અમુક ભાગ સમુદ્ર સપાટીથી 3,000 મીટર કરતાં પણ વધુ ઊંડાઈ પર નાખવામાં આવશે, જે તેને વિશ્વની અત્યાર સુધીની સૌથી ઊંડી દરિયાઈ પાઈપલાઈન પ્રોજેક્ટ્સમાંની એક બનાવે છે.
આ પણ વાંચો: ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા 50 વર્ષની વય સુધી થશે
આટલી ઊંડાઈ પર પાઈપલાઈન નાખવા માટે અત્યંત ખાસ અને વિશિષ્ટ એન્જિનિયરિંગ ઉકેલોની જરૂર પડશે. આ પ્રોજેક્ટ ઓમાન અને ગુજરાતને સીધા એક અંડરવોટર નેટવર્કથી જોડશે, જેના દ્વારા નેચરલ ગેસનો સતત અને વિના અવરોધ પુરવઠો મળતો રહેશે.
ભારત માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે દેશ તેની ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસ ખાસ કરીને LNGની મોટા ભાગની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. હાલમાં આ આયાતનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી હોર્મુઝની સામુદ્રધુની જેવા સાંકડા માર્ગ દ્વારા ભારત પહોંચે છે.
આ વ્યસ્ત માર્ગ પર કોઈ પણ પ્રકારનો અવરોધ કે તણાવ સર્જાય, તો વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવ, સપ્લાય ચેન અને શિપિંગ ખર્ચમાં સીધી અસર જોવા મળે છે. જો આ પાઈપલાઈન તૈયાર થઈ જશે, તો ખાડી દેશો અને ભારત વચ્ચે એક સીધો અને સુરક્ષિત ‘એનર્જી કોરિડોર’ બની જશે, જેથી હોર્મુઝની સામુદ્રધુની પરની ભારતની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટશે.
આ પાઈપલાઈન કાર્યરત થવાથી ભારત અને ઓમાન બંને દેશોને લાંબા ગાળે મોટો આર્થિક ફાયદો થશે. એક તરફ ભારતને તેના ઊર્જા સ્ત્રોતોમાં વિવિધતા અને ભવિષ્યની સુરક્ષા મળશે, તો બીજી તરફ ઓમાનને પોતાનો ગેસ વેચવા માટે એક મોટું અને સ્થિર નિકાસ બજાર મળશે.
લાંબા ગાળાના કરારો હેઠળ આ માર્ગે કુદરતી ગેસનું પરિવહન થવાની અપેક્ષા છે. પ્રોજેક્ટની પ્રાથમિક દરખાસ્તો મુજબ, આ પાઈપલાઈન દ્વારા ગેસ લાવવાનો પરિવહન ખર્ચ બેથી 2.25 ડોલર પ્રતિ MMBTU વચ્ચે રહી શકે છે. જોકે, અંતિમ ખર્ચ ભંડોળની વ્યવસ્થા, નિર્માણનો ખર્ચ અને ભવિષ્યમાં વૈશ્વિક બજારમાં ગેસની કિંમતો પર આધારિત રહેશે.
