માર્ચ ફળ્યો ! રાજકોટ જિલ્લામાં 15895 દસ્તાવેજ નોંધાયા, તંત્રને102 કરોડની કમાણી
વર્ષ 2024-25મા જિલ્લામાં 1,17,957 દસ્તાવેજની નોંધણી થકી સરકારને રૂ.688 કરોડ 58 લાખ 46 હજાર 446ની આવક
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં જંત્રીદર વધવાના ડરથી લોકો મોટા પ્રમાણમાં દસ્તાવેજ નોંધણી કરાવી રહ્યા હોવાથી એકલા માર્ચ મહિનામાં જ રાજકોટ શહેર અને જિલ્લામાં 15895 દસ્તાવેજની નોંધણી થતા સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી રૂપે 102 કરોડથી વધુની આવક થઇ હતી. બીજી તરફ વીતેલા નાણાકીય વર્ષમાં રાજકોટ જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં કુલ મળી 1,17,957 દસ્તાવેજની નોંધણી થતા સરકારને રૂ.688 કરોડ 58 લાખ 46 હજાર 446ની આવક થઇ હોવાના આંકડા સામે આવ્યા છે.
રિયલ એસ્ટેટમાં મંદીના એંધાણો વચ્ચે પણ રાજકોટ શહેર અને જિલ્લામાં વીતેલા વર્ષમાં રહેણાંક, ખેતી, ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ધૂમ ખરીદ-વેચાણ થયું હોવાના આંકડા સામે આવ્યા છે. રાજકોટ નોંધણી નિરીક્ષક કચેરીના સત્તાવાર રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં રાજકોટ શહેર જિલ્લાની અલગ અલગ 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કુલ 1,17,957 દસ્તાવેજની નોંધણી થકી સરકારને રૂ.688 કરોડ 58 લાખ 46 હજાર 446ની આવક થવા પામી હતી. જેમાં સરકારને નોંધણી ફી રૂપે રૂપિયા 99,52,58,674 અને સ્ટેમ્પ ડ્યુટી રૂપે રૂપિયા 589,05,87,772ની આવક થવા પામી હતી.
વધુમાં એપ્રિલ માસથી નવી જંત્રી લાગુ પડવાંની દહેશત વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં માર્ચ-2025 દરમિયાન એક જ મહિનામાં 15895 દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં સરકારને રજીસ્ટ્રેશન ફી પેટે રૂપિયા 14,42,46,059 તેમજ સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂપિયા 88,44,18,756 મળી માર્ચ મહિનામાં કુલ મળી સરકારની તિજોરીમાં રૂપિયા 102,86,64,815 કરોડની આવક થઇ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. જો કે,નાણાકીય વર્ષ 2024-25માં સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ વિસ્તારમાં અને સૌથી ઓછા રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકામાં થયા હોવાનું આંકડાઓ ઉપરથી ફ્લાઇટ થઇ રહ્યું છે.