સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયા: સૌથી ઓછા દસ્તાવેજ વિંછીયામાં થયા
વિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું છે પરંતુ રાજકોટ રિયલ એસ્ટેટમાં મંદી જેવું કશુ નથી. રાજકોટ શહેર અને જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જૂન મહિનામાન ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કુલ ૧૪૦૪૧ દસ્તાવેજો નોંધાયા હતા જેના કારણે રાજ્ય સરકારની તિજોરીમાં ૮૩.૩૯ કરોડની આવક થઇ છે. આ વખતે પણ દસ્તાવેજ નોંધણીમાં સૌથી વધુ મોરબી રોડ પર નોંધાયા છે.
રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી વિકાસ ગાંડો થયો છે. સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકોટ રિયલ એસ્ટેટમાં મંદીના બદલે ફુલ તેજીનો માહોલ વર્તાઇ રહ્યો છે.
રાજકોટ શહેરની આઠ અને જિલ્લાની ૧૦ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જૂન મહિનામાં પણ દસ્તાવેજ નોંધાવવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો જેમાં મોરબી રોડ તેમજ રતનપર સબ રજીસ્ટ્રાર કચેરીમાં તો વેઇટીંગ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ કમિટીના વડા ચેતન નંદાણીને હટાવાયા
રાજકોટ શહેર-જિલ્લામાં એક મહિનામાં ૧૪૦૪૧ દસ્તાવેજો નોંધાયા છે. જેના કારણે રાજ્ય સરકારને ફી પેટે ૧૧,૭૫,૧૮,૭૬૭ અને સ્ટેમ્પ ડ્યયુટી પેટે ૭૧,૬૪,૭૭,૩૪૩ની આવક થઇ છે. આમ, એક જ મહિનામાં સરકારની તિજોરીમાં ૮૩,૩૯,૯૬,૧૧૦ રૂપિયાની આવક થઇ છે.
દર વખતની માફક આ વખતે પણ મોરબી રોડ પર સૌથી વધુ ૧૭૮૮ દસ્તાવેજ નોંધાયા હતા. જ્યારે બીજા ક્રમે મવડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૨૮૯, ત્રીજા ક્રમે ગોંડલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૨૬૯, ચોથા ક્રમે રતનપર સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૧૭૬ અને પાંચમાં ક્રમે રૈયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૦૨૯ દસ્તાવેજો નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા વિંછીયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક માસમાં માત્ર ૪૮૫ દસ્તાવેજની નોંધણી થઇ છે.
