સાત જિલ્લામાં કાર્યરત ૧૧૨ હેલ્પ લાઈન આખા રાજ્યમાં શરુ કરાશે
ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે.
આ સેવાનો વ્યાપ સમગ્ર રાજ્યમાં મળી રહે તેના માટે એકીકૃત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર તેમજ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. આ સેન્ટરમાંથી તમામ જિલ્લાઓમાં ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું રિયલટાઇમ મોનિટરિંગ થઇ શકશે. જિલ્લા કક્ષાએ પણ આ સેવાઓનું મોનિટરીંગ સ્વતંત્ર રીતે કરી શકાશે. ડિજીટલ ટેક્નોલોજીનો વ્યાપ વધારીને આ સેવાને વધુ પ્રભાવી બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
જિલ્લાઓમાં છેવાડા સુધી લોકોને ત્વરિત ઇમરજન્સી રિસ્પોન્સ મળી રહે તેના માટે નવી 500 જનરક્ષક પીસીઆર વેન ફાળવવામાં આવશે. ઇમરજન્સી રિસ્પોન્સ સાથે સંકળાયેલા પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓને રિયલ ટાઇમમાં ડિજીટલ અપડેશન સહિત ઇમરજન્સી રિસ્પોન્સ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.
19 ફેબ્રુઆરી, 2019ના રોજ કાર્યરત થયા પછી, ERSS-112 અંતર્ગત ગુજરાતમાં 1.49 કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે જેમાંથી 69,477 કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. અત્યારે સાત જિલ્લાઓમાં એવરેજ પોલીસ રિસ્પોન્સ ટાઇમ 26 મિનિટ અને 59 સેકન્ડનો છે.
