ગીફ્ટ સિટીના દારુએ સરકારને ૯૪ લાખ કમાવી દીધા
બે હોટલે જ 3324 લિટર લીકર, 470 લિટર વાઇન અને 19915 લિટર બિયરનું વેચાણ કર્યું છે
ગુજરાત સરકારે ગાંધીનગર પાસે ગીફ્ટ સિટીમાં દારુ વેંચવાની અને પીવાની કેટલીક શરતોને આધીન જે છૂટ આપેલી છે તે સરકાર માટે કમાણીનું સાધન બની છે. સરકારે વિધાનસભામાં એવી વિગત આપી છે કે, આ છૂટ આપવાને લીધે સરકારને ૯૪.૧૪ લાખ રૂપિયાની આવક થઇ છે. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ માટે વેસ્ટ ઈન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટે લિમિટેડ અને ધ ગ્રાન્ડ મર્કુરીને છૂટ આપી છે.
વિધાનસભામાં કોંગ્રેસનાં અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે, 30 ડિસેમ્બર 2023માં જાહેરાત કરાયા બાદ ગિફ્ટી સિટીમાં પરવાનો ધરાવતી માત્ર બે હોટલે જ 3324 લિટર લીકર, 470 લિટર વાઇન અને 19915 લિટર બિયરનું વેચાણ કર્યું છે. હોટલોને વેચાણનો પરવાનો 2024માં મળ્યો હતો.
ફિનટેક સેન્ટરમાં કામ કરતા લોકોને 30 ડિસેમ્બર, 2023થી નિર્ધારીત નિયમો અંતર્ગત દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી હતી. બંને સંસ્થાઓને અનુક્રમે 9 જન્યુઆરી અને 10 જાન્યુઆરી 2024ના રોડ લાઇસન્સ આપવામાં આવ્યા હતા.
GIFT સિટીમાં ગ્બોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકારે તેના પરિસરમાં દારૂના વેચાણ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. સરકારે નિયમોમાં ફેરફાર કરીને ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાઓને મંજૂરી આપી છે. વૈશ્વિક રોકાણકારો, ટેકનિકલ નિષ્ણાતો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડી શકાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.