PSI પોસ્ટ માટે જગ્યા 1 ઉમેદવાર 218 : ડબલ સ્ટારથી સજજ ‘ખાખી’ પહેરવા ઉમેદવારોમાં જબરદસ્ત ઉત્સાહ
રાજ્ય પોલીસદળમાં પીએસઆઈની 472 જગ્યા માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શારીરિક પરીક્ષા લેવાઈ ગયા બાદ રવિવારે અમદાવાદ, વડોદરા અને સુરત એમ ત્રણ સેન્ટર ઉપર લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. એકંદરે 472 જગ્યા સામે 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપતાં એક જગ્યા ઉપર ૨૧૮ ઉમેદવાર નોંધાયા હતા. લેખિત પરીક્ષા સરળ રહી હોવાનું પરિક્ષાર્થી ઓ દ્વારા જણાવાયું હતું ત્યારે મેરિટ ઘણું ઉંચું રહેવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
આ પરીક્ષામાં સવારે 09:30 થી 12:30 વાગ્યા સુધીની ત્રણ કલાક દરમિયાન એમસીક્યુ, અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી થીયરીબેઈઝ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં શેરબજારમાં પહેલો કડાકો ક્યારે બોલ્યો તે સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ આપવો સરળ હોવાનું પરિક્ષાર્થીઓએ ઉમેર્યું હતું. બીજી બાજુ અમદાવાદ, વડોદરા અને સુરતની જ પરીક્ષા માટે પસંદગી કરવામાં આવી હોય દૂર-દૂરના વિસ્તારોમાંથી આવતાં પરિક્ષાર્થીઓ શનિવારે મોડીરાત્રે જ પરીક્ષા સેન્ટર બહાર ગોઠવાઈ ગયા હતા. રવિવારે લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ હવે ટૂંક સમયમાં પરિણામની તારીખ પણ જાહેર કરવામાં આવશે.