ફોર્મ પરત ખેંચવાના રાજ્યભરમાં થયા ખેલ, એક મહિલાએ તો મોઢે બુકાની બાંધીને ફોર્મ ખેચ્યું
કોંગ્રેસ અને આપ દ્વારા છેલ્લે સુધી ઉમેદવારોને છુપાવી રખાયા આમ છતાં છેલ્લે દિવસે બન્ને પક્ષને કેટલીક બેઠકો પર લાગ્યા ઝટકા: ઉમેદવારો છેલ્લી ઘડીએ ફસકી ગયા, જો ઉમેદવારોને છુપાવ્યા ન હોત તો વધુ નુકશાન થાત
ચિત્ર સ્પસ્ટ, રાજ્યમાં ૨૭,૨૯૭ ઉમેદવારો લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૯૩૮ ફોર્મ પરત ખેંચાયા છે. જેને લઈને હવે કુલ ૨૭,૨૯૭ ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ચુંટણી જંગ રહેશે, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૧૫ એપ્રિલ અને સમય બપોરે ૩ વાગ્યા સુધીનો હતો. મહા નગરપાલિકાઓમાં ૩૫૦૮, નગરપાલિકામાં ૬૧૦૪, જિલ્લા પંચાયતમાં ૩૨૨૬, તાલુકા પંચાયતમાં ૧૪,૪૫૯ ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે. આમ, કુલ ૨૭,૨૯૭ ઉમેદવારો લડશે.
સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ઉમેદવારોને ફોર્મ પરત ખેચવાના આખરી દિવસે બુધવારે રાજ્યભરમાં ઘણી ખરી બેઠકો પર રાજકીય ખેલ ખેલાઈ ગયા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને બચાવવા ફોર્મ પરત ખેચી ન લે ન લે તે માટે અજ્ઞાતવાસમાં લઇ જવાયા હતા. જો કે આમ છતાં ઘણી એવી બેઠકો રહી કે આજે ત્યાં આખરી પલમાં પાટલી બદલુઓ અથવા તો લડવામાં કોઈને કોઈ કારણોસર હે હરિરસ ખાટો થઇ ગયો હોય તેવા ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યા અને ક્યાય જાહેરમાં જે તે પક્ષને ટેકો જાહેર કરી એ પક્ષના પટ્ટા ખેસ ગળામાં નાખી દીધા, પાલનપુરમાં તો કોંગ્રેસની મહિલા ઉમેદવાર બુદ્ધીપૂર્વક કોંગ્રેસના સ્થાનિક આગેવાનોને અંધારામાં રાખી ભાજપના અગ્રણીઓ સાથે મોઢા પર બુકાની બાંધીને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેચીને કોંગ્રેસને આંચકો આપ્યો હતો. રાજ્ય ભરમાં ફોર્મ પરત ખેચવાના કે ઉમેદવારોના મામલે કોંગ્રેસ, આપ દ્વારા એવા આક્ષેપો કે કાગારોળ કરી હતી કે શાશક ભાજપ દ્વારા પોલીસ કે અન્ય રીતે શામ દામ દંડની નીતિ સાથે પ્રેસર પોલીટીક્સ ચાલવાઈ રહ્યું છે. સામે ભાજપે બન્ને પાર્ટીને પ્રજાનો જાકારો નિશ્ચિત છે માટે આવા બે બુનિયાદ આક્ષેપો ગણાવ્યા છે.
રાજ્યમાં અલગ અલગ સ્થળે ફોર્મ પરત ખેચવાની બનેલી ઘટનાઓમાં સૌરાષ્ટ્રમાં રાજકોટમાં વોર્ડ ન. ૧૫ના આપના લાખા મોરવાડિયાએ ઉમેદવારે ફોર્મ પાછુ ખેચી ભાજપનો ખેસ પહેરી લીધો. આજ વોર્ડ ના આપના જ એક ઉમેદવાર પ્રકાશ ચાવડાએ બે દિવસ પહેલા ફોર્મ ખેચી લઇ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. મોરબીની પંચાસર બેઠક પર આપના ઉમેદવાર વસંત ટૂંડિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં કોંગ્રેસના વોરદ ન.૫ના ઉમેદવાર કાળાભાઈ રાવલીયાએ ફોર્મ પરત ખેચતા આ બેઠક ભાજપને લડ્યા વિના જ મળી ગઈ.
જેતપુરની મેવાસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીનાબેન પ્રતાપભાઈ લાલુએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર માટે માર્ગ મોકળો થઇ ગયો.
રાજ્યમાં અન્ય બેઠકોમાં બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યના મત કાંતિ ખરાડીના મત વિસ્તાર બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયતની બેઠક પરથી કોંગ્રસના ઉમેદવારે ફોર્મ પાછુ ખેચતા ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા. ઉલટી ગંગા માફક સુરતના કામરેજ તાલુકા પંચાયતમાં ભાજપને ઝટકો મળ્યો છે. કામરેજ-૨ બેઠકના ભાજપના ઉમેદવાર ભારત સામળાએ ફોર્મ પરત ખેંચી લીધું. પાલનપુરમાં કૉંગ્રેસના પહેરા વચ્ચે વોર્ડ નં.૧ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરતીબેન મોઢે દુપટ્ટો બાંધી ફોર્મ પરત ખેંચી આવ્યા હતા. ભાજપના આગેવાનો સાથે હતા ફટાફટ પ્રાંત અધિકારીની કચેરીમાં પહોચી ફોર્મ પરત ખેચાવી લીધું હતું. વલસાડની નાનકવાડી જિ.પં.બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રમેશ બાલુ પટેલે ફોર્મ પરત ખેંચ્યું. દાહોદના વોર્ડ નં.૬ના આપના ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે ફોર્મ ખેચી લીધું. અમદાવાદ થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર ગીતાબેન ઠાકોર બિનહરીફ થયા. આવી જ રીતે સરખેજ વોર્ડમાં કૉંગ્રેસને ડબલ ઝટકા લાગ્યા ભરત ભરવાડ તથા વારિસ સૈયદે ફોર્મ પરત ખેંચ્યું હતું.
વડોદરામાં તો ભારે ધમાલ જેવી સ્થીતિ થઇ પડી હતી. વોર્ડ નં.૧૧ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેચતા ભાજપે પૈસા આપી ફોર્મ પરત ખેંચાવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ફોર્મ પરત ખેચવાના આખરી દિવસે કોંગ્રેસ, આપ પોતાના ઉમેદવારોને સાચવવામાં તો ભાજપ મોકો મળે ત્યાં તોડજોડમાં રહેતા બપોરે ત્રણ વાગ્યા સુધી ભારે ધાંધલ ધમાલ જેવી પરિસ્થિતિ રહી હતી. ભાજપને મતદાન પૂર્વે જ રાજ્યમાં અનેક જગ્યાએ લડ્યા પહેલા જ બિનહરીફ બેઠકો મળી ગઈ છે.
