કચ્છ રણોત્સવ દરમિયાન હેલિકોપ્ટર જોયરાઈડની મજા માણી શકાશે
નવા રૂટમાં કાળો ડુંગર, ધોળાવીરા અને ધોરડોનો સમાવેશ
ભુજ
કચ્છમાં આયોજિત રણોત્સવની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે હેલિકોપ્ટર જોયરાઈડની માજા માણી શકશે. મળતી માહિતી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સર્વિસ પ્રોવાઇડર સાથે વાતચીત કરી રહી છે અને આ સર્વિસ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 1લી નવેમ્બર, 2023 થી 15 ફેબ્રુઆરી, 2024 સુધી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
હેલિકોપ્ટર જોયરાઈડના નવા રૂટ પર દરિયાની સપાટીથી 462 મીટરની ઊંચાઈએ આવેલા કચ્છના સૌથી ઊંચા ડુંગર ‘કાળો ડુંગર’, સફેદ રણ (ધોરડો) અને ધોળાવીરાની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જેવા સ્થળો હશે.
આ સર્વિસ અઠવાડિયામાં પાંચ દિવસ કાર્યરત રહેશે. આ જોયરાઇડ્સ માટેના દર પસંદ કરાયેલા રૂટની પસંદગીના આધારે નક્કી કરવામાં આવશે.
અગાઉ, વેસ્ટર્ન બર્ડ એવિએશને આ સર્વિસ સંચાલન કર્યું હતું અને જેને લોકો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. 5 થી 8 મિનિટની રાઈડનો ખર્ચ વ્યક્તિદીઠ રૂ. 5,000 હતો.
આ વખતે, ગુજસેલનો ઉદ્દેશ્ય રૂટમાં ફેરફાર કરીને સવારે અને સાંજે રણની સુંદરતા પ્રવાસીઓને દેખાડવાનો છે. ગુજસેલના અધિકારીએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર જોયરાઇડ પ્રવાસીઓને પ્રમાણમાં સસ્તા દરે કચ્છના રણનો વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમે તેના માટે એક નવું ટેન્ડર બહાર પડીશું અને 1 નવેમ્બર પહેલા પ્રક્રિયા પૂર્ણ થઇ જવાની અપેક્ષા છે.