રાજકોટમાં જય શાહે કરેલી `ભવિષ્યવાણી’ સાચી પડી !
૧૪ ફેબ્રુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમની નામકરણ વિધિ વખતે જય શાહે કહ્યું’તું, ૨૦૨૪માં બારબાડોસમાં રોહિતની આગેવાનીમાં ભારતનો ઝંડો લહેરાવશે !
તેમની આગાહી અક્ષરશ: સાચી પડી હોય તેમ ભારતે વર્લ્ડકપ પણ જીત્યો અને ગ્રાઉન્ડ પર ઝંડો પણ લહેરાવ્યો એ પણ જય શાહની હાજરીમાં જ !
ટી-૨૦ વર્લ્ડકપ માટે છેલ્લા ૧૭ વર્ષથી ચાલ્યા આવતાં ઈન્તેજારનો અંત લાવતાં રોહિત સેનાએ શનિવારે રાત્રે વેસ્ટ ઈન્ડિઝના બારબાડોઝ ક્રિકેટ સ્ટેડિયમ પર ફાઈનલ મુકાબલામાં આફ્રિકાને ૭ રને હરાવી બીજી વખત ટ્રોફી ભારતને અર્પણ કરી છે. આ માટે રોહિતસેના છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહી હતી અને ઘણી વખત નબળા પ્રદર્શન બદલ તેની ટીકા પણ થઈ હતી. જો કે વર્લ્ડકપમાં ભારત અનોખા અંદાજમાં જ ઉતર્યું હોય તેમ પ્રેક્ટિસ મેચથી લઈ ફાઈનલ મુકાબલા સુધી એક પણ હરિફ ટીમને ફાવવા દેવાની તક આપી ન્હોતી અને બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય ક્ષેત્રમાં ઝળહળતો દેખાવ કર્યો હતો. આ બધાની વચ્ચે અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ભવિષ્યવાણી કરતાં જોવા મળી રહ્યા છે. આ ભવિષ્યવાણી તેમણે રાજકોટમાં જ કરી હતી !
રાજકોટના એસસીએ (હવે નિરંજન શાહ સ્ટેડિયમ) સ્ટેડિયમ ઉપર ૧૫થી ૧૮ ફેબ્રુઆરી વચ્ચે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મુકાબલો શરૂ થાય તેના એક દિવસ પહેલાં એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ સ્ટેડિયમની નામકરણવિધિ યોજાઈ હતી જેમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સહિત આખી ટીમ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સંબોધન કરતાં જય શાહે કહ્યું કે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડકપમાં ભારતે ૧૦ મેચ જીતી હતી પરંતુ ફાઈનલ જીતી શક્યા ન્હોતા. એકંદરે ભારતે વર્લ્ડકપ ભલે ન્હોતો જીત્યો પરંતુ દિલ જરૂર જીત્યા છે.
તેમણે કહ્યું કે હું ચોક્ક્સ કહીશ કે ૨૦૨૪માં રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટી-૨૦ વર્લ્ડકપ રમશે અને ટૂર્નામેન્ટનો ફાઈનલ બારબાડોઝમાં રમાવાનો છે ત્યાં રમીને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનીને ગ્રાઉન્ડ પર ત ભારતનો તીરંગો લહેરાવશે ! તેમની આ આગાહી અક્ષરશ: સાચી પડી છે કેમ કે રોહિત શર્માની ટીમ બારબાડોઝના ગ્રાઉન્ડ પર ચેમ્પિયન બની અને જય શાહની હાજરીમાં જ ગ્રાઉન્ડ પર તીરંગો પણ લહેરાવ્યો હતો. અત્યારે સોશ્યલ મીડિયા પર રાજકોટમાં જય શાહે કરેલા સંબોધનનો વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.