હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તબિયત સુધરતાં શુભમન ગીલને રજા અપાઈ
આજે અફઘાન સામે નહીં રમે, ૧૪મીએ પાકિસ્તાન સામે રમવાની શક્યતા ન બરાબર: ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સમાવાઈ શકે
ડેંગ્યુ સામે ઝઝૂમી રહેલા ઓપનિંગ બેટર શુભમન ગીલના પ્લેટલેટ એક લાખથી નીચે ચાલ્યા જતાં તેને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તબિયત સુધારા પર જણાતાં રજા આપી દેવાઈ છે. જો કે પાકિસ્તાન વિરુદ્ધ ૧૪ ઑક્ટોબરે અમદાવાદમાં તેનું રમવું લગભગ અશક્ય લાગી રહ્યું છે. ગીલ ઑસ્ટે્રલિયા સામે પહેલો મુકાબલો રમી શક્યો ન્હોતો કેમ કે પાછલા સપ્તાહે ચેન્નાઈ આવ્યા બાદ ગીલને ડેંગ્યુ થયો હતો.
બીજી બાજુ અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ ગીલ રમશે નહીં. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે શુભમનને ચેન્નાઈમાં ટીમ હોટેલમાં ડ્રિપ ચડાવાઈ હતી પરંતુ તેના પ્લેટલેટ ઘટીને ૭૦,૦૦૦ થઈ ગયા હતા. એક જ વારમાં પ્લેટલેટ એક લાખથી નીચે જાય એટલે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાવવું જ પડે છે. હોસ્પિટલમાં સઘન સારવાર કરાયા બાદ ગીલના ટેસ્ટ કરાવાયા હતા જે બરાબર આવી જતાં તેને રજા આપી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે ડેંગ્યુ શરીરને નબળું બનાવી છે અને તેમાંથી સાજું થવામાં ઘણો સમય લાગી જાય છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું કે તેની પ્રાથમિક્તા ગીલ ઝડપથી સાજો થાય તેની છે. સંભાવના છે કે પસંદગીકારો ગીલના વિકલ્પ તરીકે ઋતુરાજ ગાયકવાડને તક આપી શકે છે.