IPLમાં પહેલી વખત શુભમન ગીલ બન્યો કેપ્ટન: ગુજરાત ટાઈટન્સનું સુકાન સંભાળશે
પેટા: હાર્દિકની વિદાય થતાં જ ટીમે નવા સુકાનીની કરેલી જાહેરાત: પાછલી સીઝનનો ટોપ સ્કોરર ગીલ હવે બેટિંગની સાથે ટીમની જવાબદારી પણ નીભાવશે
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમનો સાથ છોડી દીધો છે. ૨૦૨૨માં હાર્દિક ટીમ સાથે જોડાયો હતો અને બન્ને સીઝનમાં ટીમની કમાન સંભાળી હતી. હવે તે આગામી સીઝન મુંબઈ ઈન્ડિયન્સ વતી રમવાનો છે. હાર્દિકના જવાની સાથે જ ગુજરાતે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટર શુભમન ગીલ ગુજરાત ટીમનો નવો કેપ્ટન બન્યો છે. પાછલી સીઝનમાં રાશિદ ખાન પાસે વાઈસ કેપ્ટનશિપની કમાન હતી. જો કે તેને જવાબદારી મળી નથી.
ગીલે કહ્યું કે મને ગુજરાત ટીમની કમાન સંભાળવા પર ખુશી અને ગર્વ છે કે આટલી સારી ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર ભરોસો મુક્યો છે. અમારી બન્ને સીઝન શાનદાર રહી છે અને હું ક્રિકેટની અમારી રોમાંચક બ્રાન્ડ સાથે ટીમનું નેતૃત્વ સંભાળવા માટે ઉત્સુક છું.
ગીલે પાછલી સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. ૧૭ મેચમાં તેના બેટમાંથી ૮૯૦ રન નીકળ્યા હતા જેમાં ત્રણ સદી પણ સામેલ હતી. તેના ઉપરાંત કોઈ બેટરે ૭૫૦ રન પણ બનાવ્યા ન્હોતા. ૨૦૨૨ સીઝનમાં પણ ગીલનું બેટ ખૂબ ગાજ્યું હતું. તે સીઝનમાં તેણે ૪૮૩ રન બનાવ્યા હતા. હવે તેના ઉપર બેટિંગની સાથે કેપ્ટનની જવાબદારી પણ રહેવાની છે. ગીલે અગાઉ ક્યારેય આઈપીએલમાં કેપ્ટનશિપ કરી નથી.